ઉત્તરાયણમાં દોરીથી ઘાયલ પક્ષીના જીવ બચાવવા અભિયાન

0
21
Share
Share

કરૂણા અભિયાન થકી ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં ૫૦૦૦૦થી વધુ અબોલ પક્ષીઓના જીવ બચાવાયા છે

ગાંધીનગર,તા.૧૩

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરાયણના તહેવારો દરમ્યાન પતંગ દોરા-પતંગથી ઘાયલ થતા પક્ષીઓના જીવ બચાવવાના કરૂણાસભર ભાવ સાથે રાજ્યવ્યાપી કરૂણા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં ૧૦ દિવસ સુધી સઘન રીતે હાથ ધરાઇ રહેલા આ અભિયાનમાં સહયોગી સંગઠનો અને રાજ્ય સરકારના વન, પશુપાલન સહિતના વિભાગોના કર્મયોગીઓ સાથે સંવેદનાસભર સંવાદ સાધી માર્ગદર્શન પુરૂં પાડયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વન વિભાગ દ્વારા સંચાલિત ઘાયલ પશુ-પક્ષી સારવાર કેન્દ્ર રેસ્કયુ સેન્ટરમાં ચાલી રહેલી પક્ષી સારવાર સુવિધાઓનું વિડીયો કોન્ફરન્સથી નિરીક્ષણ પણ આ કરૂણા અભિયાન અન્વયે કર્યુ હતું. તેમણે કરૂણા અભિયાનમાં સહભાગી થઇ રહેલી વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના હોદ્દેદારો તથા સંબંધિત વિભાગો સાથે ચર્ચા-વાર્તાલાપ કરીને જરૂરી સૂચનો પણ કર્યા હતા. મુખ્યમંત્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે, ઉત્તરાયણ પર્વમાં પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ-ઇજાગ્રસ્ત ના થાય તે માટે રાજ્યમાં ચાઇનીઝ દોરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ માટે કડક સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે અને દોષિતોને કડક સજા કરવા વહીવટી તંત્રને આદેશો પણ આપ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કરૂણા અભિયાન દ્વારા સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં પ૦ હજારથી વધુ અબોલ પક્ષી, પ્રાણીઓના જીવ આપણે બચાવી શકયા છીયે. ગુજરાતમાં મકરસંક્રાતિ દરમિયાન ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા- જીવદયાને પ્રાધ્યાન્ય આપવા ર૦૧૭થી વ્યાપક સ્વરૂપે કરૂણા અભિયાનનું આયોજન કરવામાં આવે છે. રાજ્યભરની જીવદયા સંસ્થાઓ આ કાર્યમાં મોટી સંખ્યામાં સહભાગી થાય છે. જેના પરિણામે આ અભિયાન સફળ બનાવી શક્યા છીએ. વન વિભાગ, પશુપાલન વિભાગ, મહાનગરપાલિકા તંત્ર પણ આ અભિયાનમાં સક્રિયતાથી પશુપંખીઓના જીવ બચાવવાનું, ઘાયલ પક્ષી સારવારનું જીવદયા કાર્ય કરે છે તેની તેમણે પ્રસંશા કરી હતી. વિજય રૂપાણીએ કહ્યું કે, આપણી સંસ્કૃતિ, પરંપરા, વિરાસત, ઇતિહાસમાં અબોલ પશુ, પંખીઓના જીવ બચાવવા મોટા સંગ્રામ થયાના ઉદાહરણ છે. તેમાં અનેક જીવદયા પ્રેમીઓએ પોતાના બલિદાન આપ્યા છે, આ આપણા સંસ્કાર દર્શાવે છે. ભગવાન ગૌતમ બુદ્ધના સમયથી આ જીવ દયાની પ્રણાલી શરૂ થઇ છે. ગૌતમ બુદ્ધે કરૂણાનો સંદેશ વિશ્વને આપ્યો છે. નાની ઘટના પણ સૌને જીવો અને જીવવાદોના સૂત્રને સાકાર કરવાની પ્રેરણા આપે છે. દરેકના જીવનની રક્ષા કરવી એ સરકારની ફરજ છે. જેના ભાગરૂપે ગાંધીજી અને સરદારના ગુજરાતમાં આપણે આ કરૂણા અભિયાન શરૂ કર્યું છે. અહિંસક ગુજરાતની પ્રતિષ્ઠામાં વધારો કરનારૂ આ અભિયાન બન્યું છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં કોવિડ-૧૯ અને છેલ્લા થોડાક દિવસથી પક્ષીઓમાં બર્ડ ફ્લુના પણ છૂટા છવાયા કેસ જોવા મળ્યા છે. આની સામે સાવચેતીના ભાગરૂપે ઘાયલ પક્ષીઓની સારવારમાં જોડાયેલા સૌ કોઇ રાજ્યની સરકારની એસઓપીનું અમલ કરે તે જરૂરી છે. બર્ડ ફ્લુનો ચેપ બીજા પક્ષીમાં ન ફેલાય તેની કાળજી રાખવી પડશે તેવો મુખ્યમંત્રીએ વિવિધ સંસ્થાઓને અનુરોધ પણ કર્યો હતો. રાજ્યમાં મક્રરસંક્રાંતિ પર્વ દરમિયાન એકપણ અબોલ પક્ષીનો જીવ ન જાય તે માટે પશુપાલન વિભાગ, વન વિભાગ દ્વારા પક્ષીઓની પ્રી- પોસ્ટ સારવાર માટે આઈસીયુ, એમ્બ્યુલન્સ, પશુ-પંખીઓની સારવાર માટે ૧૯૬૨ હેલ્પલાઇન સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં સહભાગી થવા સ્વૈચ્છિક સંસ્થાઓને મુખ્યમંત્રીએ અપીલ કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here