ઉત્તરાખંડ હોનારતઃ સોનુ સૂદે દિવંગત ઇલેક્ટ્રિશિયનની ચાર દીકરીને દત્તક લીધી

0
25
Share
Share

ચમોલી,તા.૧૯

કોરોનાકાળમાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરનાર સોનુ સૂદ હવે ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતાં મુશ્કેલીમાં આવી પડેલા પરિવારની મદદે આવ્યો છે. સોનુએ ટિહરી જિલ્લાની દોગી પટ્ટીની નજીક એક પીડિત પરિવારની ચાર દીકરીને દત્તક લીધી છે. હોનારતને કારણે દીકરીઓના પિતાનું મોત થયું હતું. એક્ટરની ટીમે પીડિત પરિવારની મદદ કરી હોવાની વાતની પુષ્ટિ કરી છે. સાત ફેબ્રુઆરીના રોજ ચમોલી જિલ્લાના તપોવન વિસ્તારમાં ગ્લેશિયર તૂટ્યા બાદ પૂર આવતાં મોટા પાયે જાનમાલને નુકસાન થયું છે. નદીઓમાં પાણી વધતાં અને કાટમાળને કારણે ૨૦૪ લોકો લાપતા થયા છે, તેમાંથી મોટા ભાગના લોકો તપોવન વિસ્તારમાં સ્થાપિત ઋષિગંગા તથા વિષ્ણુગાડ જળ વિદ્યુત પરિયોજનામાં કામ કરી રહ્યા હતા.

અત્યારસુધીમાં ૬૧ મૃતદેહો મળી આવ્યા છે અને બાકીનાની શોધ ચાલુ છે. આ હોનારતે અનેક પરિવારને વેરવિખેર કરી નાખ્યા છે, આમાંથી જ એક ટિહરી જિલ્લાના દોગી પટ્ટીના લોયલ ગામનો આલમ સિંહ પુંડરીનો પરિવાર છે. ૪૫ વર્ષીય આલમ સિંહ વિષ્ણુગાડ જળ વિદ્યુત પરિયોજના સાથે જોડાયેલી ઋત્વિક કંપનીમાં ઈલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા હતા. જળ પ્રલયના દિવસે આલમ સિંહ પરિયોજનાની ટનલની અંદર રહીને કામ કરતા હતા. આઠ દિવસ બાદ કાટમાળમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

પરિવારમાં એકમાત્ર કમાનારી વ્યક્તિનું અકાળે મોત થતાં પત્ની પર ચાર દીકરીનું ગુજરાન ચલાવવાની જવાબદારી આવી ગઈ છે, સૌથી મોટી દીકરી આંચલ ૧૪ વર્ષની છે, જ્યારે અંતરા ૧૧ની, કાજલ ૮ની તથા અનન્યા માત્ર ૨ વર્ષની છે. પતિના મોત બાદ પત્નીને સતત ચાર બાળકોનાં ભવિષ્યની ચિંતા કોરી ખાતી હતી. આવા સમયે સોનુ સૂદ દેવદૂત બનીને આ પરિવારની મદદે આવ્યો હતો. સૂત્રોના મતે, એક્ટર સોનુ સૂદે દિવંગત આલમ સિંહનાં ચાર બાળકોને દત્તક લઈને તેમના અભ્યાસ તથા લગ્ન સુધીની તમામ જવાબદારી લેવાનું આશ્વાસન આપ્યું છે. મુંબઈસ્થિત એક્ટરની ટીમે ચાર બાળકોને દત્તક લેવાની વાતની પુષ્ટિ કરી હતી. જોકે પરિવારે આ અંગે કંઈ જ કહ્યું નથી. પરિવારની સ્થિતિ જોઈને કેટલીક સામાજિક સંસ્થાઓએ મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here