ઉઘરાણીથી કંટાળી કોન્ટ્રાક્ટર ગિરનારમાં સાધુ બની ગયો

0
30
Share
Share

અમદાવાદ,તા.૧૫
વ્યાજખોરોની જાળમાં ફસાઈને ભલભલા ખમતીધર વેપારી પણ ખૂંવાર થઈ જતાં હોય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો ગાંધીનગરમાં સામે આવ્યો છે. જેમાં એક લેબર કોન્ટ્રાક્ટરે ત્રણ વર્ષ પહેલા માંડ બે લાખ રુપિયા વ્યાજે લીધા હતા, જેની ઉઘરાણી ૭૦ લાખ પર પહોંચી જતાં આખરે આ વ્યક્તિ સંસાર છોડી ગિરનારમાં સાધુ બની ગયો છે. નવાઈની વાત એ છે કે, આ વ્યક્તિના પિતા પૂર્વ ક્લાસ વન અધિકારી છે. તેણે છ વ્યાજખોરો પાસેથી આ રકમ લીધી હતી. જેની ચૂકવણીમાં મોડું થતાં વ્યાજખોરોએ એટલું બધું વ્યાજનું વ્યાજ ચઢાવી દીધું કે ઉઘરાણીનો આંકડો બે લાખમાંથી ૭૦ લાખ પર પહોંચી ગયો હતો. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીનો ભોગ બનેલો આ વ્યક્તિ ગાંધીનગરના સેક્ટર-૩માં રહેતો હતો, અને તેનું નામ પાર્થ ચુડાસમા હોવાનું બહાર આવ્યું છે. ઘરેથી એક મહિના પહેલા ગુમ થયા બાદ તાજેતરમાં જ પાર્થ ગિરનારમાંથી મળી આવ્યો હતો. જુદા-જુદા સરકારી કામોના કોન્ટ્રાક્ટ લેતા પાર્થ ચુડાસમાને માર્ચ ૨૦૧૭માં મજૂરોને ચૂકવણી કરવા તાત્કાલિક ૨ લાખ રુપિયાની જરુર પડી હતી. જે તેણે રાજુ દેસાઈ નામના વ્યક્તિ પાસેથી મહિને બે ટકાના વ્યાજે ચર મહિના માટે લીધા હતા, અને બદલામાં કોરા ચેક આપ્યા હતા. જોકે, ચાર મહિના બાદ જ્યારે પાર્થ રાજુ દેસાઈને ૨.૭૦ લાખ રુપિયા પરત આપવા ગયો ત્યારે રાજુએ રકમ સ્વીકારવાનો ઈનકાર કરતા ૧૦ ટકા વ્યાજ સાથે ૭ લાખની માગણી કરી હતી. જો રુપિયા ના મળ્યા તો પાર્થે આપેલા ચેક બેંકમાં જમા કરી દેઈ ચેક બાઉન્સ કેસમાં પાર્થને ફસાવી દેવાની તેણે ધમકી આપી હતી. રાજુને રુપિયા આપવાની પાર્થ વ્યવસ્થા કરી રહ્યો હતો તેટલામાં તે રકમ ૭ લાખથી વધીને ૭.૫૦ લાખ થઈ ગઈ હતી. પાર્થ પાસે ૫.૫૦ લાખ પડ્યા હતા, અને તેણે બીજા બે લાખ નવઘણ ભરવાડ નામના શખ્સ પાસેથી મહિને ૧૦ ટકા વ્યાજે લીધા હતા. જોકે, ૭.૫૦ લાખ લઈ પાર્થ રાજુને પરત આપવા ગયો ત્યારે તેણે ૧૨.૫૦ લાખ માગ્યા હતા. હવે પાર્થને રાજુ દેસાઈને ૧૨.૫૦ લાખ અને નવઘણ ભરવાડને ૩ લાખ આપવાના થતા હતા. જેના માટે તેણે કૌશલ જસાણી ઉર્ફે ભલીભાઈ નામના શખ્સ પાસેથી ૪ લાખ ઉધાર લઈને તેને કોરા ચેક આપ્યા હતા. ત્રણેય વ્યાજખોરોને મુદ્દલ અને વ્યાજ ચૂકવવા પાર્થે પ્રકાશ દેસાઈ નામના ચોથા વ્યક્તિ પાસેથી ૪.૫૦ લાખ લીધા. જોકે, તેમ છતાંય તે તગડા વ્યાજની ચૂકવણી ના કરી શકતા તેણે રજનીકાંત પટેલ નામના વ્યક્તિ પાસેથી ૧૩.૫૦ લાખ ઉછીના લેવા પડ્યા. પાર્થ વ્યાજખોરોની જાળમાં બરાબરનો ફસાઈ ચૂક્યો હતો. આ દરમિયાન તેના એક મિત્રએ તેની ઓળખાણ બ્રિજેશસિંહ પરમાર નામના છઠ્ઠા વ્યક્તિ પાસે કરાવી, જેની પાસેથી પાર્થે ૧૦ લાખ વ્યાજ પર લીધા. તેણે વ્યાજખોરોને ૨૦ લાખ ચૂકવ્યા હતા, છતાંય તેના પર ૭૦ લાખનું દેવું હતું. આખરે વ્યાજખોરોની સખ્ત ઉઘરાણીથી ત્રાસેલો પાર્થ ૨૫ નવેમ્બરા રોજ એક સ્યૂઈસાઈડ નોટ મૂકીને ઘરેથી નીકળી ગયો હતો. તે નર્મદા કેનાલમાં આપઘાત કરવા ગયો હતો, પરંતુ તેમ કરવાની હિંમત ના ચાલતા તે દિલ્હી પહોંચી ગયો અને એક અઠવાડિયું ફુટપાથ પર રહ્યો. આખરે તે ટ્રકોવાળા પાસેથી લિફ્ટ માગીને ગિરનાર પહોંચ્યો, અને ત્યાં છેલ્લા બે સપ્તાહથી સાધુઓ સાથે રહી રહ્યો હતો. ૬ નવેમ્બરના રોજ તેને ત્યાં પોતાનો એક પિતરાઈ મળી ગયો, જેની સમક્ષ પાર્થે રડતાં-રડતાં સમગ્ર ઘટના વર્ણવતા આ પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here