ઈન્સ્ટાગ્રામ પર યુવતીનું ફેક આઈડી બનાવી બિભત્સ ફોટા મુકનાર આરોપીને ઝડપાયો

0
14
Share
Share

અમદાવાદ,તા.૧૭

અમદાવાદમાં ઈન્સ્ટાગ્રામ પર યુવતીનું ફેક આઈ.ડી બનાવીને બિભત્સ ફોટા અપલોડ કરનાર આરોપીને શહેરની સાયબર ક્રાઈમ વિભાગની ટીમે ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે સાયબર ક્રાઈમમાં એક યુવતીએ ફરિયાદ કરી હતી કે કોઈ અજાણ્યા શખ્સે ઈન્સ્ટાગ્રામ પર તેનું ફેક આઈડી બનાવીને પોર્ન સ્ટારના બિભત્સ ફોટા અપલોડ કરીને તેને વાયરલ કર્યાં છે. આ યુવતીની ફરિયાદના આધારે અમદાવાદ સાયબર ક્રાઈમના સંયુક્ત પોલીસ કમિશ્નર અમિત વિશ્વકર્મા તથા નાયબ પોલીસ કમિશ્નર અમિત વસાવા તથા મદદનીશ પોલીસ કમિશ્નર જે.એમ.યાદવે આરોપીને શોધી કાઢવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપતાં ગુનાની તપાસ પીઆઈ એમ.એન.દેસાઈને સોંપી હતી.

આ ગુનાની તપાસ દરમિયાન જરૂરી ટેકનિકલ એનાલિસિસ કરતાં ફેક ઈન્સ્ટાગ્રામ આઈ.ડી બનાવી ફરિયાદી યુવતીનો ફોટો પ્રોફાઈલ પિક્ચર તરીકે મુકીને બિભત્સ ફોટા વાયરલ કરી હેરાન કરનાર આરોપી ધ્વનિલ ભાવિન ભાઈ પટેલ(૨૧ વર્ષ)ની ઓળખાણ કરી લીધી હતી. ત્યાર બાદ સાયબર ક્રાઈમના અધિકારીએ તેની પૂછતાછ કરતાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. સાયબર ક્રાઈમે આરોપીએ ગુનામાં ઉપયોગ કરેલ મોબાઈલ ફોન કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સાયબર ક્રાઈમના અધિકારીઓએ ઝડપી પાડેલ આરોપી ધ્વનિલ હાલ તેના પિતાની કાપડની દુકાનમાં કામ કરે છે. પૂછપરછ દરમિયાન તેણે કહ્યું હતું કે તેની સાથે કોઈ મિત્ર ઈન્સ્ટાગ્રામ પર ચેટિંગ કરતો નહતો. જેથી તેણે મિત્રો સાથે ચેટિંગ કરવા માટે ઈન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવીને ફરિયાદી યુવતીનો ફોટો પ્રોફાઈલ પિક્ચર તરીકે મુક્યો હતો. બાદમાં તેણે કોઈ પોર્ન સ્ટારના ફોટો અપલોડ કરીને આ આઈ.ડીથી વાયરલ કર્યાં હતાં.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here