ઈન્દોરમાં ટેન્કર સાથે ટકરાતાં કારમાં સવાર છ જણનાં મોત

0
15
Share
Share

લાસુડિયા સ્ટેશનના તલાવાળી ચંદા વિસ્તારમાં રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટેન્કરમાં અનિયંત્રિત કાર ઘૂસી ગઈ

ઈન્દોર, તા. ૨૩

મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં થયેલા બસ અકસ્માતના ૭ દિવસ બાદ ઈન્દોરમાં ફરી એકવાર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. એક હાઇ સ્પીડ કાર રોડની સાઈડમાં ઉભેલા ટેન્કરમાં ઘુસી ગઈ હતી જેમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં સવાર ૬ યુવકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. ગંભીર અકસ્માતમાં મોતને ભેટનાર તમામ યુવકોના મૃતદેહને ઈન્દોરની એમવાય હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટના ઈન્દોરના લાસુડિયા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. મળતી માહિતી મુજબ તલાવાળી ચંદા વિસ્તારમાં રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટેન્કરમાં એક અનિયંત્રિત કાર ઘુસી ગઈ. કારમાં ૬ યુવકો સવાર હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ૪ યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે ૨ યુવાનોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટના સોમવારે મોડી રાત્રે બની હતી. અકસ્માતની માહિતી મળતાં લાસુડિયા પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ અકસ્માતમાં મોતને ભેટનાર યુવાનોની ઉંમર ૧૯થી ૩૦ વર્ષની વચ્ચે છે. જેમાં ચંદ્રભાન રઘુવંશી (૨૩ વર્ષ), સૂરજ (૨૫ વર્ષ), રિષિ (૧૯ વર્ષ), દેવ (૨૮ વર્ષ), સોનુ જાટ (૨૩ વર્ષ) અને સુમિત (૩૦ વર્ષ)નો સમાવેશ થાય છે. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને અંદર સવાર યુવકોમાં કોઈનો હાથ તો કોઈનું માથું ધડથી અલગ થઈ ગયું હતું.

પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી છે અને તમામ મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે એમ.વાય.હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. તેમજ તેમના પરિવારજનોને પણ આ ઘટના અંગે માહિતી આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ મોતને ભેટનાર તમામ યુવકે ઈન્દોરના રહેવાસી છે. પોલીસ હવે તેમના વિશે સંપૂર્ણ માહિતી એકઠી કરી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here