મુંબઇ,તા.૨૯
કોરોનાએ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ક્રિકેટ જેવી રમત પણ તેનાથી બાકાત રહી શકી નથી. ખેલાડીઓ મેદાન પર રમત રમે તે પહેલા કેટલાયે ટેસ્ટમાંથી પસાર થવુ પડે છે અને બાયો બબલના કડક નિયમોનું પાલન કરવુ પડે છે. આ તમામ વચ્ચે ખેલાડીઓનું મનોબળ ટકી રહે તે માટે ટીમની સાથે સતત તેનો પરિવાર સાથે રહે તેવી ખેલાડીઓએ માંગ કરી હતી અને હવે ઇન્ડિયા-ઇંગ્લેન્ડ મેચ યોજાઇ રહી છે ત્યારે ખેલાડીઓ સાથે તેમનો પરિવાર પણ જોવા મળી રહ્યો છે. બોર્ડે ખેલાડીઓ સાથે પરિવારને રહેવાની મંજૂરી આપી દીધી છે.
ભારતીય ક્રિકેટરોએ ગુરુવારે આરટી પીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તમામ ખેલાડીઓ નેગેટિવ આવ્યા હતા અને ઇંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ સિરીઝ પહેલા તેમને બે ફેબ્રુઆરીથી પ્રેક્ટિસ શરૂ કરવા માટે વધુ બે ટેસ્ટ કરવા પડશે. ચાર મેચની શ્રેણી ૫ ફેબ્રુઆરીથી શરૂ થશે.
ભારતીય ટીમ ચેન્નાઈ પહોંચી ચૂકી છે અને બંને ટીમો લીલા પેલેસ હોટલમાં રોકાઈ છે. બીસીસીઆઈના અધિકારીએ જણાવ્યું હતું. (એસઓપી) આઈપીએલ બાયો બબલ જેવું જ છે. અમારા ખેલાડીઓએ આરટી પીસીઆર ટેસ્ટ કરાવ્યું છે. પ્રેક્ટિસ શરૂ કરતા પહેલા ત્યાં વધુ બે ટેસ્ટ કરવાના છે. હવે ખેલાડીઓ તેમના રૂમમાં જ રહેશે. ખેલાડીઓ હાલ તો નિક વેબ અને સોનમ દેસાઇની દેખરેખ હેઠળ તેમના રૂમમાં કસરત કરીને સમય પસાર કરશે.
બીસીસીઆઈએ ખેલાડીઓને તેમના પરિવારોને સાથે રાખવાની મંજૂરી આપી દીધી છે, કારણ કે આ કપરા કાળમાં ખેલાડીઓને ખૂબ એકાંતમાં રહેવું પડી શકે છે. ઉપ કેપ્ટન અજિંક્ય રહાણે, સિનિયર બેટ્સમેન રોહિત શર્મા, વિકેટકીપર વૃદ્ધિમાન સહા અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તેમના પરિવાર સાથે પહોંચ્યા છે.