આ વર્ષે નવરાત્રી મહોત્સવ નહીં ઉજવાય : મુખ્યપ્રધાન

0
29
Share
Share

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ગુજરાત સરકાર દ્વારા મોટાપાયે નવરાત્રિમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે

ગાંધીનગર,તા.૨૬

ગુજરાત સરકારે આ વર્ષે નવરાત્રીનું આયોજન ના કરવાનું નક્કી કર્યું છે. સીએમ રુપાણીએ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે યોજતો નવરાત્રી મહોત્સવ રદ્દ કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ગુજરાત સરકાર દ્વારા મોટાપાયે નવરાત્રીમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. રાજ્યના અન્ય સ્થળોએ પણ સરકાર દ્વારા ગરબાનું આયોજન થાય છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. આ વર્ષે સરકારે હજુ સુધી પાર્ટીપ્લોટ્‌સ અને ગ્રાઉન્ડ્‌સ પર પણ નવરાત્રીનું આયોજન કરવા માટે મંજૂરી આપી નથી. ૧૭મી તારીખથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા ના થતાં નવરાત્રી નહીં જ થાય તેવું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઘણા મોટા આયોજકોએ તો આ વર્ષે હવે ગરબાનું આયોજન કરવું શક્ય નથી તેમ કહી દીધું છે. વળી, અમદાવાદ, સુરત તેમજ વડોદરા જેવા શહેરોમાં ક્લબો સહિતની જગ્યાઓ પર થતાં જાણીતા ગરબાનું પણ અત્યારસુધી કોઈ આયોજન નથી કરાયું. રાજ્યમાં કોરોના હજુય કાબૂમાં નથી આવી રહ્યો, તેવામાં નવરાત્રીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવામાં તેમજ માસ્ક પહેરવામાં લાપરવાહી વર્તવામાં આવે તેવી પૂરી શક્યતા છે. જેને ધ્યાનમાં લઈને સરકારે હજુ સુધી ગરબાને મંજૂરી નથી આપી. વળી, ગરબાનું આયોજન થાય તો પણ કેટલા લોકો તેમાં ભાગ લેવા આવે તે મોટો સવાલ છે. તેવામાં ગરબાના આયોજનમાં ખર્ચો માથે પડે તેમ હોવાથી આયોજકો જ ઈવેન્ટ યોજવાથી દૂર ભાગી રહ્યા છે. ગરબાના આયોજકોનું માનીએ તો, નવરાત્રીની તૈયારી છ મહિના પહેલા જ શરુ કરી દેવામાં આવતી હોય છે. જેમાં સ્પોન્સર્સ લાવવાથી માંડી પાસ છપાવવા, ગરબા પાર્ટીઓનું બુકિંગ સહિતની અનેક પ્રક્રિયા સમાવિષ્ટ હોય છે. જોકે, હવે નવરાત્રીની તૈયારી કરવામાં ખૂબ જ ઓછો સમય રહી ગયો હોવાથી સરકાર મંજૂરી આપે તો પણ તેનું આયોજન શક્ય નથી. વળી, જો સરકાર કડક નિયંત્રણો સાથે મંજૂરી આપે તો પણ ગરબાની મજા મારી જાય, જેથી આ વખતે ગરબાનું આયોજન કરી કોઈ રિસ્ક લેવા તૈયાર નથી. ઉલ્લેખનીય છે કે, ડૉક્ટર્સે પણ થોડા દિવસ પહેલા ચેતવણી આપી હતી કે કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે, તેને જોતા આ વખતે ગરબાનું આયોજન કરવું ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here