આશિષ ભાટિયા : હાઇપ્રોફાઇલ કેસોમાં માસ્ટરી ધરાવતા અધિકારી

0
18
Share
Share

ગુજરાત રાજ્યના નવા પોલીસવડા તરીકે આશિષ ભાટિયાની નિમણૂક કરવામાં આવી છે.આ અંગેની જાહેરાત ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી, ભાટિયા શનિવારે રાજ્યના પોલીસવડા તરીકે ચાર્જ સંભાળશે.ઉલ્લેખનીય છે કે શિવાનંદ ઝાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ તેમને ત્રણ મહિનાનું ઍક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું, જે ૩૧ જુલાઈએ પૂર્ણ થતાં ભાટિયાના નામની જાહેરાત કરાઈ છે.નવનિયુક્ત ડીજીપી આશિષ ભાટિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું,ચાર્જ સંભાળ્યા બાદ ’કાયદો અને વ્યવસ્થા’ અંગે પ્રાથમિકતા રહેશે. ક્રાઇમ-કંટ્રોલ પણ પ્રાથમિકતામાં રહેશે.તેમણે કહ્યું, આ ઉપરાંત અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવામાં આવશે.આ ઉપરાંત તેમણે કહ્યું, ત્રાસવાદને ડામવાની અને ૨૦૦૮ના અમદાવાદ બૉમ્બ-બ્લાસ્ટ જેવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય, એવા પ્રયાસો કરવામાં આવશે. આશિષ ભાટિયા વર્ષ ૧૯૮૫ની બૅચના આઈપીએસ અધિકારી છે અને તેઓ અમદાવાદના પોલીસ કમિશનર તરીકે ફરજા બજાવી રહ્યા છે.અમદાવાદના પોલીસકમિશનર તરીકે નિમાયા એ પહેલાં આશિષ ભાટિયા ક્રાઇમ બ્રાન્ચ, સીઆઈડી તથા રેલવેપોલીસના પદો પર રહી ચૂક્યા છે.તેઓ સુરતના પોલીસકમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.

૨૦૦૮ના અમદાવાદ બૉમ્બ-બ્લાસ્ટના કેસને ઉકેલવમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા માટે ભાટિયા જાણીતા છે.’ધ ઇકૉનૉમિક ટાઇમ્સ’ના અહેવાલ પ્રમાણે એપ્રિલ ૨૦૦૯માં સુપ્રીમ કોર્ટ દ્વારા ૨૦૦૨નાં રમખાણો મામલે તપાસ અર્થે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું.ત્રણ સભ્યોની ટીમમાં નવનિયુક્ત પોલીસવડા આશિષ ભાટિયાની સાથે વર્તમાન પોલીસવડા શિવાનંદ ઝા પણ હતા.આ ઉપરાંત ગીતા જોહરી પણ આ ટીમમાં સામેલ હતાં.અહેવાલ પ્રમાણે ૨૦૦૨માં ’ગોધરાકાંડ’ બાદ ગોધરા તથા ગુલબર્ગ સોસાયટી, નરોડા ગામ, નરોડા પાટિયા, સરદારપુરામાં થયેલાં રમખાણો અંગે ’તપાસ’ કરવાની કામગીરી સોંપાઈ હતી.આશિષ ભાટિયાનું નામ ૨૦૦૮ના અમદાવાદ બૉમ્બ-બ્લાસ્ટ કેસ માટે પણ ચર્ચામાં રહ્યું છે.અમદાવાદના બૉમ્બ-બ્લાસ્ટ કેસને ઉકેલવામાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હોવાનું મનાય છે.’ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના અહેવાલ પ્રમાણે વર્ષ ૨૦૦૮માં બૉમ્બ-બ્લાસ્ટ વખતે તેઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના વડા હતા.અહેવાલ નોંધે છે કે ઇન્ડિયન મુજાહિદ્દીન અને સિમિ જેવાં પ્રતિબંધિત સંગઠનોના સભ્યોની આ કેસમાં સંડોવણી જે-તે વખતે બહાર આવી હતી.આ કેસને ઉકેલવામાં અને પ્રતિબંધિત સંગઠનોના સભ્યોની ધરપકડમાં તેમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી છે.આશિષ ભાટિયાનો હરિયાણામાં જન્મ થયો છે અને એન્જિનયરીંગનો અભ્યાસ કર્યો છે. તેઓ શાંત પ્રકૃતિના અધિકારી તરીકે જાણીતા છે. એટલું જ નહીં ગુનાનો ભેદ ઉકેલવામાં પણ તેઓ શાંત સ્વભાવે જ કામ લે છે. આશિષ ભાટિયા ૨૦૧૬માં સુરતના કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી, રેલવેના ડીજીપી અને સીઆઇડી ક્રાઇમ વડા સહિતની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ હોય કે કોઈ હાઈપ્રોફાઈલ મર્ડર મિસ્ટ્રી વ્યક્તિગત હ્યુમન નેટવર્કના આધારે કેસ ઉકેલનારા ફિલ્ડ અધિકારી તરીકે જાણીતા છે. આશિષ ભાટિયાએ ત્રણ હાઈપ્રોફાઈલ કેસ ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.૧૯૮૫ બેચના આઈપીએસ આશિષ ભાટિયા વર્ષ ૨૦૦૧માં પોલીસ મેડલ મેળવી ચૂક્યા છે. ઉપરાંત વર્ષ ૨૦૧૧માં પ્રેસિડેન્ટ મેડલ મેળવી ચુક્યા છે. પ્રિવેન્શન ઓફ ક્રાઈમના માસ્ટર ગણવામાં આવે છે. ગુનામાં આરોપીઓની સાતથી આઠ કલાક સુધી મેરેથોન પૂછપરછ કરવાની તેમની આગવી ઢબ છે. જ્યારે પણ પૂછપરછ રૂમની બહાર આવે ત્યારે કેસમાં કોઈ નવો જ વળાંક હોય અને કેસ ઉકેલવા તરફ જાય તેવી માહિતી ગુનેગાર પાસેથી મેળવી લે છે. ડેટાબેઝના આધારે ગુનાઓની તપાસ કરવામાં પણ તેઓ કુનેહ ધરાવે છે.આશિષ ભાટિયાએ વર્ષ ૨૦૦૮માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો કેસ માત્ર ૧૯ દિવસમાં જ ઉકેલી નાખ્યો હતો. ૨૬ જુલાઈ ૨૦૦૮માં અમદાવાદ સિરીયલ બ્લાસ્ટ થયો હતો તે સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર હતા. તેમણે અને એસઆઇટીની આખી ટીમે ભેગા થઈને બલાસ્ટ કેસમાં ઈન્ડિયન મુજાહિદ્દીનનું મોડ્યુલ હોવાનું બહાર લાવી આખો કેસ ઉકેલી નાખ્યો હતો. ૩૦ જેટલા આરોપીઓને પકડી લીધા હતા. વર્ષ ૨૦૦૮માં જ લઠ્ઠાકાંડ થયો હતો ત્યારે પણ આખો કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો અને મુખ્ય આરોપીઓને તાત્કાલિક ઝડપી લેવાયા હતા.આશિષ ભાટિયા વર્ષ ૨૦૧૬માં સુરત પોલીસ કમિશનર તરીકે પણ રહી ચૂક્યા છે. બાદમાં સીઆઇડી ક્રાઇમ અને રેલવેઝના વડા પણ રહી ચૂક્યા છે. વર્ષ ૨૦૧૮માં બિટકોઈન કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં મોટા પોલીસ અધિકારીઓ(જગદીશ પટેલ) અને પૂર્વ ધારાસભ્ય(નલિન કોટડીયા)ની સંડોવણી સામે આવી હતી. જેની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવતા પોલીસ અધિકારીઓ અને ધારાસભ્ય સહિત તમામ લોકોને ઝડપી આખા બિટકોઈન કૌભાંડનું પગેરું બહાર લાવવામાં આવ્યું હતું.વર્ષ ૨૦૧૯માં ચાલુ ટ્રેનમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી હતી. આ હાઈપ્રોફાઈલ મર્ડર કેસમાં રેલવેઝના તત્કાલિન વડા આશિષ ભાટિયાએ એક એસઆઇટી બનાવી હતી અને ટીમોએ ગણતરીના દિવસોમાં હત્યા કરનારા આરોપીને ઝડપી લઈ કેસ ઉકેલ્યો હતો. આ મામલે એસઆઇટીએ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની પણ ધરપકડ કરી હતી.આશિષ ભાટિયા ગુનેગારો અને ગેંગ વિશે બહોળું નોલેજ ધરાવે છે. અમદાવાદ લોક ડાઉનમાં તેમણે ખૂબ મહત્વની કામગીરી બજાવી છે.તેની સાથે તેમની સાથે કામ કરી ચૂકેલા અધિકારી અને નાના કર્મચારી તેમની ઝીણવટ ભરી કામ કરવાની આદતથી પરિચિત છે. જો કે હવે તેમની સામે કેટલાક પડકારો પણ છે. હાલ રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ અને દારૂની મોટા પ્રમાણમાં હેરફેર થઈ રહી છે. જેને ડામવા માટે એક નવી સ્ટ્રેટેજી ઘડી અમલમાં મુકાશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here