આરોગ્યની દ્રષ્ટિએ ઉત્તમ તહેવાર નવરાત્રી

0
69
Share
Share

આસો મહિનો એટલે માતાજી ભગવતીનો મહિનો. જગત જનની દેવીના પૂજકો અને હરકોઈ શ્રદ્ધાળુઓનો માતા પ્રત્યેની ભક્તિ ભાવનો મહિનો. અને આસો મહિનામાં નવરાત્રી આવે એટલે ગુજરાતી લોકો માટે તહેવાર.

ધાર્મિક માન્યતાઓ અનુસાર શેતાની શક્તિઓ હમેશા અંધકારમાજ પોતાનું કાર્ય કરતી હોય છે અને મનુષ્યનું મન પણ અંધકારમય જ હોય છે. માટે નવરાત્રીના પવિત્ર દિવસોમાં અંધકારમય મનને પ્રકાશિત કરવા માટે ભક્તો માતાજીના દિવા-ધૂપ વગેરેથી આરતી ગરબા કરી પોતાની આસ્થા પ્રગટ કરતા હોય છે.  દિપક અંધકારનો નાશ કરે છે અને આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો સાચા અને શુદ્ધ ગાયના ઘીથી કરેલ દિપકનો ધુમાડો વાતાવરણ પવિત્ર અને શુદ્ધ કરે છે.

નવરાત્રીમાં અનેક ભક્તો ધૂપ પણ કરતા હોય છે. કોઈ ગુગળનો ધૂપ કરતા હોય તો કોઈ અન્ય ઔષધીનો. મુસલમાન લોકો પણ તેના ધાર્મિક સ્થળો પર અથવા તેના ધાર્મિક દિવસોમાં લોબાનનો ધૂપ કરતા હોય છે. આયુર્વેદની દ્રષ્ટિએ આવી શુદ્ધ ઔષધિઓના ધૂપ કરવાથી વાતાવરણ પવિત્ર અને શુદ્ધ બને છે. નવરાત્રીમાં આપણાં પૂર્વજો ગાયના છાણાને સળગાવી તે એકદમ પાકીને લાલ થઈ જાય ત્યારબાદ તેમાં શુદ્ધ ગૂગળ, શુદ્ધ કપૂર જેવી ઔષધિઓ નાખી ધૂપ કરતા અને તેનાથી માતાજી આરતી પૂજા કરતા. આ ધૂપ કરવાથી  વાતાવરણ તો શુદ્ધ થાય જ છે સાથે સાથે જેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, નાકમાંથી પાણી વહેતા હોય, નાક બંધ થઈ ગયું હોય તેવા રોગોમાં પણ મદદ કરે છે.

ગુગળ ત્રિદોષનાશક છે. આયુર્વેદની અનેક દવાઓ બનાવવામાં ગુગળનો ઉપયોગ થાય છે. માટે ધૂપ કરવામાં ગૂગળનો ઉપયોગ વધુ થાય છે. આ ધૂપ ઓક્સિજનની માત્રા વધારે છે અને આપણને શુદ્ધ હવા મળે છે જેથી આપણે નિરોગી રહી શકીએ છીએ. ઘરમાં આવો કેમિકલ વગરનો પવિત્ર ધૂપ કરવાથી આપણને રાત્રે ઊંઘ પણ સારી આવે છે. સાથેસાથે ઘરમાં નેગેટીવ ઉજરનો નાશ કરીને પોઝીટીવ ઉજર વધારે છે. અનેક આશ્રમોમાં, ગૌશાળાઓમાં, પવિત્ર સ્થળો પર, અનેક ઘરોમાં લોકો દરોજ ધૂપ કરતા હોય છે જેનાથી ધૂપના ધુમાડાથી ત્યાંના વાતાવરણમાં રહેલ આરોગ્યને હાનિકારક સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે છે અને વાતાવરણ શુદ્ધ કરે છે.

નવરાત્રીના તહેવારોમાં ધાર્મિક માન્યતાઓ પ્રમાણે નાની નાની બાળાઓમાં માતાનો વાશ હોવાથી સાક્ષાત જગદંબા ગરબે રમતી હોય છે. અને આ નવરાત્રીના તહેવારોમાં દીકરીઓ તૈયાર થઈને ગરબા રમતી ખૂબજ સુંદર લાગતી હોય છે તેથીજ તેમની માતાઓ તેમના કાન પાછળ આંજણ લગાવતી હોય છે. નવરાત્રીમાં માતાના હરકોઈ ભક્તો ગરબાના તાલે મન મુકીને રમતા હોય છે. આરોગ્યની દ્રષ્ટિએ રાસ-ગરબા રમવાથી શરીરને એક જાતની કસરત થાય છે તેથી પિતનું શમન થાય છે અને શરીર તંદુરસ્ત રહે છે.

નવરાત્રીમાં અનેક ભક્તો ઉપવાસ કરીને માતાજીનું અનુષ્ઠાન કરતા હોય છે. આયુર્વેદના ચરક, સુશ્રુત વગેરે અનેક ગ્રંથોમાં અનેક સૂત્રો આપ્યા છે તેમાનું એક સૂત્ર છે ‘‘લંધનં પરં ઔષધમ‘‘ અર્થાત લંધન (ઉપવાસ) સર્વોત્તમ ઔષધ છે. અત્યાર સુધીમાં અગણિત લોકોને આ સૂત્રએ રોગમુક્ત કર્યા છે. ઉપવાસના ફાયદા વિશેનો આર્ટિકલ ફરી ક્યારેક હું લખીશ. ઉપવાસ શબ્દનો અર્થ જાણીએતો ‘‘ઉપ‘‘ એટલે સમીપે-નજીક અને ‘‘વાસ‘‘ એટલે રહેવું. એટલે નજીક રહેવું. માટે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી માતાજીની નજીક રહેવું.

ભોજન માટે અનાજ મેળવવું, સાફ કરવું, શાકભાજી સુધારવા, દાળ મુકવી, રાંધવું, ખાવું, પચાવવું, કામ કરવું આ સમગ્ર ક્રિયામાં પુષ્કળ સમય અને શક્તિ ખર્ચાય છે. માટે આવા સમયે મનુષ્ય શક્તિ અને સમય બચાવી માતાજીની આરાધનામાં વાપરે છે અને શારીરિક અને માનસિક લાભ મેળવે છે.

આપણા પૂર્વજો અને ઋષિમુનિઓ અમુક દિવસો નક્કી કર્યા હોય ત્યારે કશું ખાધા પીધા વગર ઉપવાસ કરતા જેથી તેને શારીરિક અને માનસિક શાંતિ મળતી. ઉપવાસ કે એકટાણા કરવાનું આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો કારણ એ છે કે આપણા શરીરમાં રહેલા પાચનતંત્રને આરામ મળે.

આપણને સૌને અનુભવ છે કે કોઈપણ મશીનને અમુક સમય બાદ આરામ આપવો પડે તેમાં ઓઇલ કે અન્ય ઇંધણ પુરી ફરી પાછા શરુ કરીએ એટલે તે વ્યવસ્થિત ચાલવા લાગે. જેમ કોઈ કર્મચારી રવિવારે રજાનો કામનો આરામ મેળવી સોમવારે તાજામાજા થઈ કામ કરવા ફરી સજ્જ થઈ જાય છે. તેવીજ રીતે આપણું પાચનતંત્ર આપણે લીધેલ ખોરાક પચાવવાનું કાર્ય સતત કરતું હોય છે. તેથી ઉપવાસ કરવાથી તેને આરામ મળે છે અને શરીર સ્વસ્થ રહે છે. ઉપવાસ કરવાથી અનેક રોગોમાં ચમત્કારી પરિણામો મળે છે.

આખો દિવસ લાખો કરોડો વિચારો કરતું મન ન જાણે ક્યાં ક્યાં ભટકતું હોય છે. નવરાત્રીમાં નવ દિવસ અનેક ભક્તો માતાજીની ભક્તિ કરતા માતાજીનું ધ્યાન કરતા હોય છે. મન એ આપણા શરીરનું ખૂબજ પાવરફુલ અંગ છે. ‘‘જેવું વિચારો તેવું થાય‘‘ આવું આપણે અનેક લોકો પાસેથી સાંભળ્યું હોય છે. માટે આ ભટકતા મનને માતાજીનું ધ્યાન કરવાથી મગજ પણ સ્વસ્થ રહે છે. માનસિક રોગોથી પીડાતા લોકો માટે ધ્યાન એ સર્વોત્તમ ઔષધ છે.

માટે નવરાત્રી એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ઉત્તમ તહેવાર છે. માટે ચાલો આપણે સૌ યોગ્યરીતે પોતપોતાના ઘેર રહીને માતાજીની આરાધના કરીને ધાર્મિક અને આરોગ્યના લાભ લઈએ.

સૌજન્યઃ રાજ પરમાર-આયુર્વેદિક જીવનશૈલી

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here