આજથી ફરી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું

0
18
Share
Share

પ્રથમ દિવસે ૨૫૦૦માંથી ૪૨૬ પ્રવાસીઓએ ટિકિટ બુક કરાવી

વડોદરા, તા.૧૭

કોરોના કાળમાં છેલ્લા ૬ મહિનાથી બંધ વિશ્વનું સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આજથી ફરી એકવાર પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલતા કેવડિયા પ્રવાસન સ્થળ ફરી પ્રવાસીઓની અવરજવરથી ધબકતું બન્યું છે અને કોવિડ-૧૯ના નિયમોના પાલન સાથે ૯૦ ટકા પ્રોજેક્ટો ખુલ્લા મુકાયા છે. ત્યારે ઘણા સમયથી પ્રવાસીઓ જે પ્રવાસન સ્થળ ખુલવાની રાહ જોતા હતા એ પ્રવાસન ધામ જોવા પહેલા દિવસે ૪૨૬ જેટલા પ્રવાસીઓએ ઓનલાઇન ટિકિટ બુક કરાવી છે. જોકે, સવારે ૧૦થી ૧૨ના પ્રથમ સ્લોટમાં ૧૭ લોકોએ સ્ટેચ્યુમાં પ્રવેશ મેળવ્યો હતો.

કેવડિયા કોલોનીમાં ૧ ઓક્ટોબરથી બંધ જંગલ સફારી ટ્રાયલ બેઝ પર ફરી ચાલુ કરવામાં આવ્યા બાદમાં ૧૦ ઓક્ટોબરથી ટ્રાયલ બેઝ પર ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, એક્તા મોલ પ્રવાસીઓ માટે ફરી ખુલ્લાં મુકાયા પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો અને કોવિડ-૧૯ની ગાઇડલાઇન પ્રમાણે ધીરે ધીરે પ્રોજેક્ટો ખુલ્લા મુકાયા છે. ૧૫મી ઓક્ટોબરથી રિવર રાફટિંગ, એકતા નર્સરી, કેક્ટ્સ ગાર્ડન, બટરફ્લાઈ ગાર્ડન, વિશ્વ વન ખુલ્લા મુકાયા બાદ આજથી ૧૭ ઓક્ટોબર શનિવારથી એટલે કે પહેલાં નોરતાથી પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ માટે પ્રવાસીઓની સલામતિની પૂરતી કાળજી લેવા કોવિડ-૧૯ ગાઈડલાઈનના ચુસ્ત પાલન અંગેની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી દેવામાં આવી છે.

આજે સવારથી પાંચ સ્લોટમાં પ્રવાસીઓને એન્ટ્રી આપવામાં આવશે, પહેલા ૮થી ૧૦ના સ્લોટમાં ૫૦૦ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવનાર હતો. જોકે, ૨૭ જેટલા પ્રવાસીઓ પ્રથમ સ્લોટમાં જોવા ગયા હતા. આમ આખા દિવસમાં ૪૨૬ જેટલા પ્રવાસીઓએ ટિકિટ બુકિંગ કરાવી છે. ટિકિટ સ્કેનિંગથી લઈને વોકે લેટર અને તમામ જગ્યાએ ફિઝિકલ ડિસ્ટન્સ રહે એવા માર્ક કરી દેવામાં આવ્યા છે અને માઈક પર પણ એનાઉન્સ થતું રહેશે. હવે પ્રવાસીઓએ પોતાની જાતે ખાસ કાળજી રાખવાની છે. પ્રવાસીઓને કેવડીયા ખાતે કોઈપણ ટિકિટ બારી પરથી રૂબરૂમાં ટિકિટ ઈસ્યુ કરવામાં આવશે નહીં. પ્રવેશ સમયે થર્મલ સ્ક્રિનીંગ અને સેનિટાઈઝેશન કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. કુલ ૫ સ્લોટ સવારે ૮થી ૧૦, ૧૦થી ૧૨, ૧૨થી ૨, ૨થી ૪ અને ૪થી ૬ રાખવામાં આવ્યા છે. પ્રત્યેક સ્લોટમાં ૫૦૦ પ્રવાસીને પ્રવેશ. એન્ટ્રી ટિકિટ ૪૦૦( ચરણ અને મ્યુઝિયમ) પ્રવાસી વ્યુઇંગ ગેલેરી – ૧૦૦ પ્રવાસી સમગ્ર દિવસમાં – ૨૦૦૦ એન્ટ્રી ટિકિટ( ચરણ અને મ્યુઝિયમ) પ્રવાસી અને ૫૦૦ વ્યુઇંગ ગેલેરી પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે. જેના માટે તંત્ર હાલ સજ્જ છે.

આજથી શરૂ થનારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવવા પ્રવાસીઓનો થનગનાટ વધ્યો છે. હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ૯૦ ટાકા પ્રોજેક્ટો ખુલ્લા મુકાયા છે ત્યારે પ્રવાસીઓની આવક અને તેમના પ્રતિભાવો નોંધવામાં આવશે. સૌથી સારું બસ સેવાનો ઉપયોગ કરવો સારો નહીતો પાર્કિંગમાં ૧૫૦ ખર્ચીને ચાલતા આવવું પડશે. ૩૦૦ રૂપિયામાં ઇકો ટુરિઝમની બસની પણ વ્યવસ્થા કરી છે. જેમાં સ્ટેચ્યુ, જંગલ સફારી અને ન્યૂટ્રિશિયન પાર્ક છોડી તમામ પ્રોજેક્ટ બતાવવામાં આવશે. આ સાથે કેવડિયા સર્ક્યુલર રૂટ બસની વ્યવસ્થા છે. જેમાં ૫૦ રૂપિયાની ટિકિટ લેવાની અને તમામ પ્રોજેક્ટ બહારથી બતાવવામાં આવશે. જે બસ સતત ફરતી રહેશે. ગાઈડ તમામ સ્પોર્ટની માહિતી અપાશે, જો બસમાંથી ઉતરી પડ્યા અને બીજી બસમાં બેઠા એટલે બીજા ૫૦ રૂપિયા ચૂકવવા પડશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનાર મહારાષ્ટ્ર થાણેના પ્રવાસી વિક્રાંત નીત નાવરેએે પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને ઘણો જ આનંદ થયો છે. અમે પરિવાર સાથે અહીં આવ્યા છીએ. લોકડાઉન બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે પુનઃ શરૂ કરાયું હોવાથી પ્રથમ દિવસે જ અમે ટિકિટ બુક કરાવી. આ મુલાકાત લઇને અમે ખુબ જ ખુશ છીએ, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવવા બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આ તકે તેમણે આભાર માન્યો હતો.

વડોદરાના પ્રવાસી મિલિન્દ રૂપારેલે કહ્યું હતું કે, લોકડાઉનના સમયમાં ઘરે જ હતાં, પરંતુ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અમને ખુબ જ મજા આવી અને અહીં સરકારની કોવિડ-૧૯ની ગાઇડલાઇન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝેશન સહિતની પૂરી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું મિલિન્દે ઉમેર્યુ હતું. તેવી જ રીતે રાજકોટના પ્રવાસી ભારતીબેન મહેતાએ પોતાના પ્રતિભાવમાં કહ્યું કે, કોવિડ-૧૯ને લીધે લોકડાઉનના લીધે ક્યાંય ફરવા જઇ શકાયું નહોતું, પંરતુ એવી ઇચ્છા હતી કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવી છે. આજે મુલાકાત લઇને અમને ખુબ જ ખુશી થઇ છે. કોઇપણ પ્રકારની અહીં અમને મુશ્કેલી પડી નથી. પ્રવાસીઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરાઇ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુલાકાતી પ્રવાસીઓએ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હ્રદય સ્થાનેથી નર્મદા ડેમનો નજારો માણવાની સાથોસાથ વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ પ્રવાસી મુલાકાતીઓએ નિહાળી હતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here