આંગડિયા પેઢીને નિશાન બનાવીને લૂંટતી નાયડુ ગેંગનો રાજકોટ પોલીસે કર્યો પર્દાફાશ

0
37
Share
Share

રાજકોટ,તા.૨૯
રાજકોટ જિલ્લા પોલીસે આંતરરાજ્ય નાયડુ ગેંગને પકડી પાડી છે. આ ગેંગ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાનમાં અલગ અલગ જિલ્લામાં બેંક તથા આંગડિયા પેઢી બહાર રેકી કરી લોકોની નજર ચૂકવી ચોરી કરી નાસી જતી હતી. અત્યાર સુધીમાં આ ગેંગ દ્વારા લાખો રૂપિયા રકમની ચોરીને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે કોણ છે નાયડુ ગેંગ અને કેવી છે તેની મોડસ ઓપરેન્ડી જોઇએ આ રિપોર્ટમાં. રાજકોટ જિલ્લા પોલીસના સકંજામાં રહેલા આ શખ્સો નાયડુ ગેંગના સાગરીતો છે. તેમના નામ લાલુ ઉર્ફે સુનિલ ઐયર, હરીશ ઉર્ફે અરીશ નાયડુ અને ગોપી લક્ષ્મણા નાયડુ છે.
આ શખ્સોએ તેમના એક સગીર સાગરીત સાથે મળી વર્ષ ૨૦૨૦ ના અંતમાં શાપર વેરાવળ વિસ્તારમાં ચોરીના અનેક ગુનાઓને અંજામ આપ્યો હતો. ફરી એક વખત રાજકોટ વિસ્તારમાં ચોરી કરવા આવતા હોવાની હકીકતને આધારે પોલીસે વોચ ગોઠવી આ નાયડુ ગેંગના સગીર સહતિ ૪ શખ્સોને પકડી પાડ્યા છે. પોલીસે આ શખ્સો પાસેથી પલ્સર મોટર સાયકલ અને રોકડ રકમ સહિત કુલ ૩ લાખ ૨૬ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસના કહેવા પ્રમાણે, આ શખ્સો નાયડુ ગેંગના નામે ઓળખાય છે અને તેઓ બેંક તથા આંગડિયા પેઢી બહાર રેકી કરી લોકોની નજર ચૂકવી ચોરીના ગુનાને અંજામ આપતા હતા. આરોપીઓ કોઇ પણ જિલ્લામાં પ્રવેશ કરી બાદમાં મકાન ભાડે રાખતા હતા. જેના બાદ ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ રજૂ કરી ઓએલએક્સ એપ્લિકેશન પરથી મોટરસાયકલની ખરીદી કરતા હતા.
આટલુ કર્યા બાદ તેઓ જ્યાં ચોરી કરવાની છે તે વિસ્તારની રેકી કરતા હતા. બાદમાં ચોરીના ગુનાને અંજામ આપતા હતા. આ ટોળકીએ ગુજરાતના રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગર, જામનગર ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યમાં અલગ અલગ ૧૧ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. આ વિશે રાજકોટ ગ્રામ્યના પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું કે, આરોપી પૈકી હરીશ ઉર્ફે અશિષ નાયડુ વિરુધ્ધ મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાનમાં ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે. હાલ તો પોલીસે આ ૪ શખ્સોની ધરપકડ કરી ગેંગ દ્વારા કેટલા ગુનાઓને અંજામ આપવામાં આવ્યા છે, તેમજ ચોરીમાં ગયેલ મુદ્દામાલ ક્યાં સગેવગે કર્યો છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here