અશ્વિને મને મોટા ભાઈની જેમ ગાઈડ કર્યો ત્યારે મેચ ડ્રો કરાવી શક્યાઃ વિહારી

0
19
Share
Share

બ્રિસબેન,તા.૧૩

ભારતીય ઓલરાઉન્ડર હનુમા વિહારીએ રવિચંદ્રન અશ્વિન સાથે મળીને ઓસ્ટ્રેલિયા સામે સિડની ખાતે ટેસ્ટ ડ્રો કરાવી હતી. બંનેએ છઠ્ઠી વિકેટ માટે રેકોર્ડ ૪૩ ઓવર રમીને અણનમ ૬૨* રન ઉમેર્યા હતા. આ પાર્ટનરશિપ અંગે હનુમાએ કહ્યું કે, અશ્વિને મોટા ભાઈની જેમ તેને રસ્તો બતાવીને ગાઈડ કર્યો હતો. તેથી જ બંને વચ્ચે આટલી મોટી ભાગીદારી થઈ શકી હતી.

ઓસ્ટ્રેલિયાએ મેચમાં ૪૦૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતે ૫ વિકેટે ૩૪૪ રન કરીને મેચ ડ્રો કરી હતી. અશ્વિન અને વિહારીએ છઠ્ઠી વિકેટ માટે બોલ (૨૫૯)ના હિસાબે ભારતની ત્રીજી સૌથી મોટી ભાગીદારી કરી.ત્રીજી ટેસ્ટ ડ્રો થતા સીરિઝ અત્યારે ૧-૧ની બરાબરી પર છે. ૧૫ જાન્યુઆરીએ બ્રિસ્બેન ખાતે અંતિમ ટેસ્ટ રમાશે.

વિહારીએ કહ્યું કે, “પાંચમા દિવસે અંતિમ સેશનમાં બેટિંગ કરવાનો અનુભવ સારો રહ્યો. આ કોઈ સપનું સાચું પડ્યું હોય તેના જેવું હતું. હું બહુ ખુશ છું. અશ્વિને મને મોટા ભાઈની જેમ ગાઈડ કર્યો. બેટિંગ દરમિયાન હું ઘણું બધું વિચારી રહ્યો હતો. ત્યારે અશ્વિને કહ્યું- અત્યારે માત્ર બોલ પર ધ્યાન આપ.” અશ્વિને ૧૨૮ બોલમાં ૩૯* અને વિહારીએ ૧૬૧ બોલમાં ૨૩* રન કર્યા હતા.

સિડની ટેસ્ટમાં ચોથા દિવસના અંતે ભારતને ૩૦૯ રનની જરૂર હતી અને ૮ હાથ વિકેટ હાથમાં હતી. આ અંગે અશ્વિને કહ્યું કે, હું જ્યારે રાત્રે સૂવા ગયો તો મેં પોતાને કહ્યું કે, જો હું દરેક ફોર્મેટમાં બેટિંગ કરી શકું છું તો હું એ કેમ નથી કરી શકતો જે ડુ-પ્લેસીસે એડિલેડમાં કર્યું હતું. હું પોતાને એક સારી તક આપી શકું છું.

નોંધનીય છે કે, ડુ-પ્લેસીસે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં છેલ્લા દિવસે ૮ કલાક બેટિંગ કરીને મેચ ડ્રો કરાવી હતી. તેણે અણનમ ૧૧૦ રન માર્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here