દુબઇ,તા.૨૯
ક્રિકેટના ત્રણે ફૉર્મેટમાં ૧૫ વર્ષ કરતા પણ વધુ સમય અમ્પાયર તરીકે સેવા આપ્યા બાદ ઑસ્ટ્રેલિયાના અમ્પાયર બ્રુસ ઑક્સનફૉર્ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની ગુરુવારે જાહેરાત કરી હતી. વર્ષ ૨૦૧૨થી આઈસીસીની અમ્પાયરોની મહત્ત્વની પૅનલના નિયમિત સભ્ય રહેલા ઑક્સનફૉર્ડે ૬૨ ટૅસ્ટમાં અમ્પાયરિંગ કર્યું હતું.
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે તાજેતરમાં જ બ્રિસ્બેન ખાતે રમાયેલી શ્રેણીની અંતિમ ટૅસ્ટ અમ્પાયર તરીકે તેમની છેલ્લી ટૅસ્ટ હતી. અમ્પાયર તરીકે મારી આંતરરાષ્ટ્રીય કારકિર્દીને હું ગર્વપૂર્વક નિહાળુ છું, એમ તેમણે કહ્યું હતું. ખરેખર મારા માટે એ માનવું મુશ્કેલ છે કે મેં અંદાજે ૨૦૦ જેટલી આંતરરાષ્ટ્રીય મૅચમાં અમ્પાયરિંગ કર્યું છે.
અમ્પાયર તરીકેની કારકિર્દીનો આરંભ કર્યો તે અગાઉ મેં એવી ક્યારેય આશા નહોતી રાખી કે મારી કારકિર્દી આટલી લાંબી હશે. ૬૦ વર્ષના ઑક્સનફૉર્ડે વર્ષ ૨૦૦૬ના જાન્યુઆરીમાં ગબ્બા સ્ટેડિયમ ખાતે ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટી-૨૦ મૅચથી અમ્પાયર તરીકે આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી.
પુરુષોના છેલ્લા ત્રણ વર્લ્ડ કપ અને ટી-૨૦ વર્લ્ડ કપમાં તેમણે અમ્પાયરિંગ કર્યું હતું. વર્ષ ૨૦૧૨ અને વર્ષ ૨૦૧૪માં મહિલા વર્લ્ડ કપમાં પણ તેમણે અમ્પાયરિંગ કર્યું હતું.
અમ્પાયર બનતા અગાઉ ઑક્સનફૉર્ડે લૅગ સ્પીનર અને નીચલા ક્રમના બૅટ્સમેન તરીકે આઠ ફર્સ્ટક્લાસ મૅચમાં ક્વિન્સલૅન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું.