અમરેલી જિલ્લામાં કડાકા સાથે ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર

0
11
Share
Share

અમરેલી,તા.૩૦

લાંબા સમયના વિરામ બાદ સુત્રાપાડામાં ૨ ઈંચ, વેરાવળમાં ૧ ઈંચ, દીવ, ખાંભા, ઉના, કોડિનાર અને ગીર ગઢડામાં ધોધમાર વરસાદ  પડ્યો હતો. આ સાથે જ અમરેલી જિલ્લામાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ઉના, ગીરગઢડા, વેરાવળ અને કોડીનાર સહિતના ગ્રામ્ય પંથકમાં આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો. અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

અમરેલી જિલ્લામાં આજે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં. અમરેલીના શેડુભાર, માચીયાળા, ચિતલ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગીર પંથકમાં એક અઠવાડિયાના વિરામ બાદ વરસાદ શરૂ થતાં ખેડૂતોના ઉભા પાકને જીવનદાન મળ્યું છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વાવણી બાદ વરસાદ નહીં વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા અને પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો હતો. ત્યારે આજે ધીમીધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં હરખની હેલી પ્રસરી હતી.

પ્રવાસન સ્થળ દીવમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ પડતાં શહેરની બજારોમાં પાણી વહેવા લાગ્યા હતા. આ સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વાવણી બાદ ખાંભા તાલુકામાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડેડાણ, ખડાધાર અને બોરાળા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે ડેડાણની મેઈન બજારોમાં પાણી વહેવા લાગ્યા હતા.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here