અમરેલી તા. ર૮
અમરેલીમાં માણેકપરા વિસ્તારમાં દુકાન ધરાવતા અને લાઠી રોડ ઉપર બ્રાહ્મણ સોસાયટીમાં રહેતા એક વેપારી યુવકે બે મહિના પહેલા ત્રણ જેટલા વ્યાજખોરોના ત્રાસના કારણે કંટાળી જઇ ધારી નજીક આવેલ ખોડીયાર ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતક વેપારીના પત્નીએ ૩ ઇસમો સામે પોતાના પતિને મરી જવા મજબુર કરવા સબબની પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે આ ત્રણેય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવમાં અમરેલીમાં દુકાન ધરાવતા સંદીપભાઇ નાથાલાલ ધનૈયા નામના વેપારીએ અગાઉ અમરેલી તાલુકાના માંડવડા ગામે રહેતા દિલુભાઇ આપાભાઇ વાળા, લાલભાઇ દિલુભાઇ વાળા તથા અમરેલીમાં રહેતા પ્રતાપભાઇ પરસોતમભાઇ કાછડીયા પાસેથી નાણા વ્યાજે લીધેલ હોય, આ ત્રણેય ઇસમોએ પોતાની પાસે નાણા ધીરધાર કરવાનું લાયસન્સ ન હોવા છતાં આ વેપારીને નાણા આપી અને બાદમાં વ્યાજમાં પૈકસની ફોનથી તથા રૂબરૂ પઠાણી ઉઘરાણી કરી વેપારીને માનસીક ત્રણ આપી મરી જવા મજબુર કરી ગત તા. ૨૦/૧૦થી તા. ૨૧/૧૦ના સમયગાળા દરમિયાન આ વેપારીએ ધારી નજીક આવેલ ખોડીયાર ડેમનાં ધુના માં પડી જઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના પત્ની લતાબેને આ ત્રણેય વ્યાજખોર સામે ધારી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
સાવરકુંડલા : વંડા ગામ નજીક વેપારીને છરી બતાવી રૂા.૪પ હજારની લૂંટ ચલાવતો શખ્સ
જુનાગઢ ગામે રહેતા અને ડ્રાઇવીંગનો ધંધો કરતા એક વેપારી જુનાગઢથી પાલીતાણા ગામે માલની ડીલેવરી કરવા જતા હતા ત્યારે સાવરકુંડલા તાલુકાનાં વંડા ગામ પાસે ડીલેવરી વાનને અટકાવી ચાલકને છરી બતાવી રોકડ રકમ રૂ.૪૫૨૪૦ની એક શખ્સે લુંટ ચલાવ્યાની ફરીયાદ વંડા પોલીસમાં નોંધાતા પોલીસે આ લુંટ ચલાવનાર શખ્સને ઝડપી લેવા ચક્રોગતીમાન કર્યા છે.
આ બનાવમાં જુનાગઢ ગામે રહેતા રવીભાઇ અરજણભાઇ ચૌહાણ નામના ૩૦ વર્ષીય ડ્રાઇવર પોતાના હવાલાવાળા પીકઅપ વાન નં જીજે ૧૧ ટીટી ૭૩૮૪ લઇ શનીવારે મોડી રાત્રીના સમયે જુનાગઢથી પાલીતાણા માલની ડીલેવરી કરવા જતા હતા ત્યારે સાવરકુંડલા તાલુકાના વંડા ગામે બિલખીયા કોલેજ પાસેથી પસાર થતા હતા ત્યારે સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામે રહેતા સતીષભાઇ દરબાર નામના એક ઇસમે આ પીકઅપ વાનને રોકાવી ચાલકને નીચે ઉતારી ગાળો આપી અને છરી બતાવી ચાલક પાસે રહેલ રોકડા રૂ.૪પર૪૦ ની લુંટ ચલાવી નાસી ગયો હતો.
આ બનાવ અંગે પીકઅપ વાનના ચાલકે વંડા પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આ લુંટ ચલાવનાર શખ્સને ઝડપી લેવા ચક્રોગતીમાન કર્યા છે.
દ્વારકા : બંધ મકાનમાં ત્રાટકી દોઢ લાખની મતા ઉસેડી જતા તસ્કરો
ખંભાળિયા તાલુકાના ભંડારિયા ગામના મુળ વતની અને હાલ દ્વારકામાં આહિર સમાજની વાડી પાછળ મુરલીધર ટાઉનશિપ ખાતે રહેતા રાજુભાઇ રામદેભાઈ ભાટિયા નામના ૩૫ વર્ષના એક આહીર આસામીના બંધ રહેલા રહેણાંક મકાનમાં ગત તારીખ ૨૫ ના રોજ સવારથી શનિવાર તા. ૨૬ ના બપોર સુધીના આ સમયગાળામાં કોઈ હરામખોરો ત્રાટકયા હતા.
આ બંધ મકાનના મુખ્ય રૂમના દરવાજાનો નકૂચો તોડી, અંદર પ્રવેશેલા તસ્કરોએ અંદરના રૂમનું તાળું ચાવી વડે ખોલી નાખ્યુ હતું. આ રૂમમાં લોખંડના કબાટના તાળા તોડી, કબાટમાં રાખવામાં આવેલા વિવિધ પ્રકારના સોના તથા ચાંદીના દાગીના, સોનાનો ચેન, પેન્ડલ સેટ, વીંટી, કંદોરો, ઝાંઝરી, નજરીયા, ઉપરાંત બે કાંડા ઘડિયાળ અને રોકડ રકમ સહિતનો મુદામાલ તસ્કરો ઉસેડી ગયા હતા.
આમ, આ સ્થળેથી તસ્કરો કુલ રૂપિયા ૧,૪૭,૫૦૦ નો મુદ્દામાલ ચોરી કરીને લઇ જતા આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસ રાજુભાઈ ભાટિયાની ફરિયાદ પરથી આઈ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, તથા ૩૮૦ મુજબ ગુનો નોંધી, પી.આઈ. તથા સ્ટાફે તસ્કરોની વ્યાપક શોધખોળ હાથ ધરી છે.