અમરેલીઃ આઘેડને લૂંટી લેનાર બેલડી મુદ્દામાલ સાથે ઝડપાઈ

0
48
Share
Share

અમરેલી, તા.૨૯

અમરેલી નજીક કુંકાવાવ રોડ ઉપર બે દિવસ પહેલા એક મજુરને મારમારી રોકડ રકમ તેમજ મોબાઈલની લૂંટ ચલાવનારા બે બાઈકચાલકને અમરેલી એલસીબી પોલીસે ઝડપી લઈ ગણતરીની કલાકોમાં લૂંટનો ભેદ ખોલી નાખેલ હતો. પ્રાપ્ત વિગત મુજબ ગત તા.૨૫નાં રાતના દશેક વાગ્યે વડિયાના લુણીધાર ગામના મનસુખભાઈ કરશનભાઈ સોલંકી ઉ.વ.૫૫ નામના મજુર અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મજુરી કરી મજુરીની રકમ રૂા.૨૮૦૦ ખિચામાં નાખી પોતાના ઘરે જવા માટે અમરેલીના કુંકાવાવ જકાત નાકા પાસે વાહનની રાહ જોઈ ઉભેલા હતા તે અરસામાં ડબલસવારી બાઈકચાલકે આવીને કહેલ કે અમો કુંકાવાવ જઈએ છીએ તમારે આવવું હોય, તો બેસી જાવ, બે કલાકથી વાહનની રાહ જોઈ થાકેલ મજુર વૃધ્ધ બાઈક ઉપર બેસી ગયેલ હતા. બાઈકચાલકે માંગવાપાળના પાટિયાથી આગળ જઈ બાઈક ઉભી રાખેલ હતી. બન્ને શખસોએ મજુર વૃદ્ધને અનહદ માર મારી બેભાન જેવો કરી નાખેલ હતો. મજુરના ખિસ્સામાં રહેલ રોકડ રકમ રૂા.૨૮૦૦ અને એક સાદા મોબાઈલની લૂંટ ચલાવી નાસી છુટેલ હતા.

જે અંગેની ફરિયાદ અમરેલી સિટી પોલીસમાં નોંધાયેલ હતી. એલસીબી પીઆઈ આર.કે.કરમટા, પી.એન.મોરીની ટીમે પેટ્રોલ પંપચના સીસીટીવી ફૂટેજનાં આધારે આરોપીની ઝિણવટભરી તપાસ હાથ ધરેલ હતી. ટેકનિકલી તપાસમાં અમરેલીની ઠેબી નદીના પુલ પાસેથી બે શખસોને ઝડપી લેવામાં આવેલ હતા. બન્નેના નામ, અજય ઉર્ફે કાનો ચિનુ લાલકિયા ઉ.વ.૨૭ રે.વડિયા કૃષ્ણપરા, ફૈજલ ઈલિયાસ પારેખ ઉ.વ.૨૩ રે.વડિયાવાળા હોવાનું જણાવેલ હતું. બન્નેએ લૂંટની કબુલાત આપેલ હતી. તેમના કબજામાંથી પોલીસે લૂંટની રકમ રૂા.૧૬૦૦ અને મોબાઈલ અને લૂંટમાં ઉપયોગમાં લીધેલ બાઈક સાથે ધરપકડ કરવામાં આવેલ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here