અમને છંછેડશો તો જવાબ જડબાતોડ જ મળશેઃ મોદીનો હૂંકાર

0
37
Share
Share

વડાપ્રધાને આડકતરી રીતે ચીન-પાકિસ્તાન પર હુમલો કર્યોઃ ભારતની સૈન્ય શક્તિની સામે ભલે કોઇ પણ આવી જાય ટકી નહી શકે, વિસ્તારવાદી વિચારધારા માનસિક બીમારી, ભારતને તમારા શૌર્ય પર ગર્વ છે

જેસલમેર,તા.૧૪

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ અને વીર જવાનોને દિવાળીની શુભેચ્છા આપી. આ સાથે ગઇ કાલની નાપાક હરકત અંગે પાક.ને નામ લીધા વિના ચેતવણી આપી કે અમને છંછેડશો તો જવાબ જડબાતોડ જ મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે દિવાળીનો તહેવાર મનાવવા રાજસ્થાનના જેસલમેર સરહદે જવાનોની વચ્ચે પહોંચ્યા હતા.  પીએમ મોદી સાથે બિપિન રાવત, સેના પ્રમુખ મુકુંદ નરવણે અને બીએસએફના ડીજી રાકેશ અસ્થાના પણ હાજર રહ્યા હતા.  પીએમ મોદીએ જવાનોને સંબોધતા હુંકાર કરતા પાડોશી દેશોને ચેતવણી આપતા જણાવ્યું, ‘વિશ્વની કોઇ પણ તાકાત આપણા વીર જવાનોને દેશની સુરક્ષા કરવાથી રોકી શકે તેમ નથી. જો અમને છંછેડશો તો જવાબ આકરો જ મળશે. આજે ભારત આતંકીઓને ઘરમાં ઘુસીને મારે છે.’

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું, ‘ભારતીય જવાનોની બરાબરી કોઇ ના કરી શકે. તમામ જવાનોને દિવાળીની શુભકામના. હું તમારા માટે મીઠાઇ લઇને આવ્યો છું. મીઠાઇની સાથે-સાથે દેશવાસીઓનો પ્રેમ પણ લાવ્યો છું. તમે છો તો જ દેશ છે અને દેશમાં લોકો તહેવારો ઉજવી શકે છે. હું તમારા માટે દેશવાસીઓનો સ્નેહ લઇને આવ્યો છું. આપણાં જવાનોએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. દુશ્મનોની હરકતનો આ જ રીતે જવાબ મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું, ‘જો દેશની કોઇ પોસ્ટનું નામ જો કોઇને યાદ છે તો તે છે લોંગેવાલા પોસ્ટ. અહીં ગરમીમાં તાપમાન ૫૦ ડિગ્રીએ પહોંચી જાય છે અને ઠંડીની ઋતુમાં શૂન્યથી પણ નીચે તાપમાન ચાલ્યું જાય છે. આ પોસ્ટ પર આપના સાથી મિત્રોએ વીરતાની એવી ગાથા લખી નાખી છે કે જે લોકોને આજે પણ યાદ છે.’

જ્યારે પણ સૈન્યની કુશળતાના ઇતિહાસને વિશે લખવા કે વાંચવામાં આવશે ત્યારે ‘બૈટલ ઑફ લોંગેવાલા’ને યાદ કરવામાં આવશે. આ તે સમય હતો કે જ્યારે પાકિસ્તાની સેના બાંગ્લાદેશની જનતા પર ત્રાસ ગુજારી રહી હતી. તેમની આ હરકતોથી પાકિસ્તાનનો છુપાયેલો ચહેરો ઉજાગર થઇ રહ્યો હતો. આ બધા પરથી વિશ્વનું ધ્યાન હટાવવા માટે પાકિસ્તાને આપણાં દેશની પશ્ચિમી સીમા પર મોરચો ખોલી દીધો. તેઓને લાગતું હતું કે, આવું કરીને બાંગ્લાદેશના પાપને દબાવી દઇશું પરંતુ પાકિસ્તાનને લેવાના દેવા પડી ગયા. આ પોસ્ટ પર પરાક્રમની ગુંજે દુશ્મનોનો હોંસલો પરસ્ત કરી નાખ્યો. મેજર કુલદીપ સિંહ ચાંદપુરના નેતૃત્વમાં દુશ્મનોને ધૂળ ચટાડી દીધી.’

જવાનોને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું, ‘આપની પાસેથી મળેલી આ જ પ્રેરણાથી દેશ આજે મહામારીના આ કઠિન સમયમાં પણ દરેક નાગરિકના જીવનની રક્ષામાં જોડાયેલો છે. આટલાં મહીનાથી દેશ પોતાના ૮૦ કરોડ નાગરિકોના ભોજનની વ્યવસ્થા કરી રહ્યું છે. પરંતુ આ સાથે જ દેશ અર્થવ્યવસ્થાને ફરીથી ગતિ આપવાનો પ્રયાસ પણ કરી રહ્યો છે.

વડાપ્રધાન મોદીએ દુશ્મનોને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું, “આજે ભારતની રણનીતિ સ્પષ્ટ છે. આજનું ભારત એ સમજવા અને સમજાવવાની નીતિ પર વિશ્વાસ કરે છે પરંતુ જો અમને આજમાવવાની કોશિશ કરશો તો તેનો જવાબ એટલો જ પ્રચંડ મળશે.

વડાપ્રધાન મોદીએ ૬ વર્ષમાં જવાનો સાથે ઊજવેલી દિવાળી…

૨૦૧૯- મોદી જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં નિયંત્રણ રેખા પર તહેનાત જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા માટે રાજૌરી ગયા હતા. તેમણે કહ્યું હતું, યુદ્ધ હોય કે ઘૂસણકોરી હોય, આ વિસ્તારને સૌથી વધુ પડકારનો સામનો કરવો પડે છે, પણ આ ક્ષેત્ર એવું જેણે ક્યારેય હાર નથી માની.

૨૦૧૮- વડાપ્રધાન દિવાળીના અવસરે ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિરનાં દર્શન માટે ગયા હતા. અહીં તેમણે ચીન બોર્ડર પાસે હરસિલ ગામના કેન્ટ વિસ્તારમાં ભારતીય સશસ્ત્ર દળ અને આઇટીબીપીના જવાનોની મુલાકાત કરી હતી. અહીં તેમણે કહ્યું હતું, બરફવાળા વિસ્તારમાં તમારી ફરજ પ્રત્યેનું સમર્પણ દેશને મજબૂતાઈ પ્રદાન કરે છે. તમારા જ કારણે દેશના સવા સો કરોડ લોકોનાં સપના સુરક્ષિત છે.

૨૦૧૭- આ વર્ષે મોદીએ દિવાળીની ઉજવણી જમ્મુ-કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં સૈનિકો સાથે કરી હતી.

૨૦૧૬- મોદીએ હિમાચલ પ્રદેશ પાસે આવેલા ચીન બોર્ડર પાસે ઈન્ડો- તિબેટ બોર્ડર પોલીસના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

૨૦૧૫- વડાપ્રધાને અમૃતસર બોર્ડર પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

૨૦૧૪- મોદીએ સિયાચીનમાં જવાનો વચ્ચે દિવાળીની ઉજવણી કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here