ગાંધીનગર,તા.૧૨
શહેરના નવા વાડજ વિસ્તારમાં રહેતાં ૪૮ વર્ષના દિનેશ (નામ બદલ્યું)એ અમદાવાદની ફેમિલી કોર્ટમાં પત્ની પાસેથી ભરણ-પોષણ મેળવવા અરજી કરી છે. ફેમિલી કોર્ટમાં હમણાં જ ફાઈલ થયેલી આ અરજીમાં પતિ તરફથી દાવો કરાયો છે કે, તે પોતે છુટક મજૂરી કરે છે જ્યારે પત્નીને તેના પહેલાં પતિનું અકસ્માતમાં મોત થયું હતું, જેના વળતર પેટે ૧૫ લાખ રૂપિયા મળતાં તે મને છોડીને જતી રહી છે, એટલું જ નહિ, પત્ની હાલમાં ઊંઝા ગંજ બજારમાં નોકરી કરે છે, જેની પાસેથી વળતર પેટે મહિને સાત હજાર રૂપિયા મળે તે માટે કોર્ટે હુકમ કરવો જોઈએ તેવી દાદ માગવામાં આવી છે.
હિન્દુ મેરેજ એક્ટની કલમ ૨૫ મુજબ ભરણપોષણ મેળવવા કરાયેલી અરજીમાં જણાવાયું છે કે, તેમના લગ્ન ઓગસ્ટ ૨૦૦૦માં ઊંઝા ખાતે થયા હતા, બંનેના આ બીજી વારના લગ્ન છે. પરિણીતાને પહેલા પતિથી સંતાનમાં એક દીકરી હતી. પતિએ દાવો કર્યો કે, ૧૮ વર્ષ સુધી અમે સાથે રહ્યા, દીકરીને લાડકોડથી ઉછેરી પણ પહેલા પતિના વીમાના રૂ. ૧૫ લાખ મળ્યા એ પછી મને તરછોડી દીધો છે.
ઊંઝાની વિધવા સાથે લગ્ન કરવા મને ભારે પડયા છે. પતિ તરફથી કહેવાયું છે કે, પરિણીતાએ દીકરીના લગ્ન પ્રથમ પતિના ઘરે જઈને કર્યા છે. ડિસેમ્બર ૨૦૧૯માં દીકરીના લગ્ન સંપન્ન થયા છે, જેની આમંત્રણ પત્રિકામાં પિતા તરીકે મારા નામનો ઉલ્લેખ સુદ્ધાં કરવામાં આવ્યો ન હતો. અરજીમાં દાવો છે કે, પ્રથમ પતિનું મોત થયું તે કિસ્સામાં વર્ષ ૨૦૦૯માં ખોટી એફિડેવિટ કરીને ૧૫ લાખનું ક્લેઈમ મેળવ્યું છે. તેમના લગ્ન જીવનથી એક પુત્ર છે, બાળક પરિણીતા પાસે છે.