અમદાવાદ,તા.૨૭
અમદાવાદના આશ્રમરોડ પર આવેલી સીટી ગોલ્ડ સિનેમાના ભોંયરામાં લિફ્ટ નીચે થી પૂર્વ કર્મચારીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ડિસેમ્બર મહિનામાં નોકરીમાં છૂટો કરવામાં આવ્યો હતો જે બાદ પગાર લેવા આવેલા કર્મીનું મૃત દેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક કરવામાં આવી રહ્યા છે. જોકે આ મામલે હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર મૂળ બાલાસિનોર નો રહેવાસી શૈલેષ ઠાકોર સીટી ગોલ્ડ સિનેમા માં સ્વિપર તરીકે કામ કરતો હતો.
જોકે તેને ડિસેમ્બર મહિનામાં નોકરીમાંથી છુટો કરવામાં આવ્યો હતો અને તે નવેમ્બર મહિનાનો પગાર લેવા માટે ૨૨ ડિસેમ્બરે સિનેમાગૃહો પર આવ્યો હતો. જોકે શેઠ હાજર ન હોવાથી તેને પગાર આપવામાં આવ્યો ન હતો અને ત્યારબાદ તે ગુમ હતો. જોકે આજે અચાનક જ સીટી ગોલ્ડ સિનેમાના ભોંયરામાંથી દુર્ગંધ મારતા સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવી હતી
ત્યારે શૈલેષ ઠાકોરનો મૃતદેહ લિફ્ટના નીચેના ભાગેથી મળી આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ નવરંગપુરા પોલીસ ને કરતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલમાં આકસ્મિક મોત અંગેની ફરિયાદ દાખલ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ને વધુ તપાસ શરૂ કરી છે.