અમદાવાદ: સાલ હોસ્પિટલ દ્વારા કોરોના દર્દીને ૫.૭૦ લાખનું બિલ

0
34
Share
Share

૫૬ વર્ષના ઘોડાસરના દર્દીનું મોત થતાં પરિવારે બબાલ કરતા હોસ્પિટલે સમાધાન કરી બિલ બે લાખ ઘટાડી આપ્યું

અમદાવાદ, તા.૧૪

કોરોનાના દર્દીઓ સાથે છડેચોક ઉઘાડી લૂંટનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, શહેરના ડ્રાઈવ ઈન રોડ સ્થિત સાલ હોસ્પિટલ ખાતે ઘોડાસરના ૫૬ વર્ષીય કોરોનાગ્રસ્ત દર્દી વાસવાણી હરીશભાઈનું ગુરુવારે ૧૨મી નવેમ્બરના રાતે મોત થયું હતું. હોસ્પિટલે શુક્રવારે સવારે મૃતક દર્દીના સગાને ૫.૭૦ લાખનું બિલ પધરાવ્યું હતું. જોકે ૧૭ દિવસની સારવારમાં સરકારી ધારાધોરણો કરતાં વધુ રકમ પડાવાઈ રહી હોવાના આક્ષેપ સાથે મૃતકના સગાએ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો અને ડેડબોડી સ્વીકારવાની ના પાડી દીધી હતી, આ હોબાળા વચ્ચે આખરે હોસ્પિટલે લૂંટફાંટની નીતિ છોડી બે લાખ જેટલું બિલ ઓછું કરતાં સમાધાન થયું હતું. અંતે કોરોનાગ્રસ્ત દર્દીની બપોરે અંતિમ વિધિ કરાઈ હતી.

ઘોડાસર સ્થિત મૃતક વાસવાણી હરીશભાઈના નાનાભાઈ રાજુ વાસવાણીએ આક્ષેપ કર્યો હતો કે, તેમના ભાઈને કોરોના થતાં સાલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા, જોકે હોસ્પિટલ દ્વારા નિયત ધારાધોરણ કરતાં વધુ ચાર્જ વસૂલવામાં આવતો હતો. દર્દીની સારવાર દરમિયાન સાલ હોસ્પિટલે ર્કાડિયોગ્રામ કાઢવાના ૩૦,૨૭૪નો ચાર્જ લગાડયો હતો, હાર્ટને નુકસાન થશે તેવી ભીતિ તબીબોએ પરિવાર સમક્ષ વ્યક્ત કરી હતી, સરકારી ધારાધોરણ પ્રમાણે આઈસીયુમાં રોજના ૨૧ હજાર આસપાસનો ચાર્જ નક્કી થયેલો છે, જોકે સાલ હોસ્પિટલ દ્વારા રોજના ૮ હજાર રૂપિયા ડોક્ટરના અલગથી ર્ચાજિસ લગાવવામાં આવતાં હતા.

આ મુદ્દે હોસ્પિટલ તંત્ર સમક્ષ વાંધો ઉઠાવ્યો તો એવો જવાબ મળ્યો કે, તમને આ નાણાં તો ભરવા જ પડશે. દર્દીના મોત બાદ સવારે હોસ્પિટલે ૫.૭૦ લાખનું બિલ પકડાવ્યું હતું, અલબત્ત, વધુ પડતી રકમ વસૂલવાની નીતિ સામે સગાંએ હોબાળો મચાવી લાશ લેવાની ના પાડતાં દોડધામ મચી ગઈ હતી, આખરે હોસ્પિટલ તંત્રે ૫.૭૦ લાખને બદલે ૩.૭૧ લાખનું બિલ આપ્યું હતું. આમ સમાધાન બાદ મૃતકની બપોરે અંતિમવિધિ થઈ હતી.

મૃતક કોરોનાગ્રસ્ત દર્દીના સગાએ કહ્યું કે, હોસ્પિટલમાં સમાધાન થતાં સવારે ૧૦.૩૦ વાગ્યાના અરસામાં ડેડબોડી સ્વીકારવાનું નક્કી થયું હતું. કોર્પોરેશન તંત્ર દ્વારા અંતિમ વિધિ કરાઈ હતી, અંતિમ વિધિમાંય સ્મશાનમાં વેઈટિંગ ચાલતું હતું. જમાલપુર અને વી.એસ. હોસ્પિટલ નજીકના સ્મશાન ગૃહે ગયા તો ત્યાં અંતિમ વિધિ માટે વેઈટિંગ ચાલતું હતું, એ પછી હાટકેશ્વર સ્મશાન ગૃહ ખાતે પહોંચ્યા ત્યાં પણ દોઢ કલાક જેટલો સમય રાહ જોવી પડી હતી, અંતે બપોરે દોઢ વાગ્યાના અરસામાં હાટકેશ્વર સ્મશાન ગૃહે અંતિમ વિધિ થઈ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here