અમદાવાદ: ચેમ્બરની વિવિધ કમિટિમાં સ્થાન મેળવવા લોબિંગ શરૂ

0
31
Share
Share

ચોક્કસ સભ્યોએ હોદ્દેદારો પર ભલામણ લાવવા માંડી, સક્ષમો ઉપર ભલામણ ભારે પડશે કે કેમ તેના પર નજર

અમદાવાદ, તા. ૨૩

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ચૂંટણી બાદ મહત્વના હોદ્દેદારોની નિમણૂક થઈ ગઈ છે હવે  જુદા જુદા ક્ષેત્રે કામ કરતી જુદી જુદી કમિટીઓની રચના અને તેના વડાઓની નિમણુક કરવામાં આવશે. જે તે કમિટીમાં પોતાનું સ્થાન પાકું કરવા માટે ચોક્કસ સભ્યો દ્વારા પ્રયાસ કરાવવામાં આવી રહ્યા છે અને હોદ્દેદારો ઉપર ભલામણ પણ લાવવાની શરૂઆત કરી દીધી છે. હવે જોવાનું એ રહ્યું કે જે તે કમિટી માટે સક્ષમ રીતે કામ કરી શકે તેવા સભ્યને તેનું સુકાન સોંપાય છે કે પછી ભલામણ કામ કરી જાય છે.

ચેમ્બરના પ્રમુખ ,સિનિયર ઉપપ્રમુખ અને ઉપપ્રમુખ ની વરણી બાદ અમદાવાદ તેમજ બહારના સેક્રેટરી અને ટ્રેઝરર ની નિમણૂક કરી દેવામાં આવી છે.ચેમ્બરના  હોદ્દેદારો હવે ચેમ્બરની લગભગ વીસેક કમિટીઓની રચના કરશે અને દરેક કમિટીના ચેરમેનની નિમણુંક કરશે. ચેમ્બરની કોઈ કમિટીના ચેરમેન હોવું તે પણ પ્રતિષ્ઠા ની વાત છે સાથે સાથે કમિટીના ચેરમેન તરીકે ઘણા કામ પણ થઈ શકતા હોય છે માટે જ ચેમ્બરના કેટલાક સિનિયર સભ્ય સહિતના સભ્યોએ જે તે કમિટીમાં ચેરમેન તરીકે પોતાનું નામ પાક્કું કરાવવા માટે મથામણ શરૂ કરી દીધી છે.

બીજી તરફ ચૂંટણી પહેલા કેટલાક સભ્યોને કમિટમેન્ટ પણ આપ્યા હોય તે પણ હવે પાળવા પડશે. સાથે સાથે ચૂંટણીમાં મદદરૂપ થયેલા કેટલાક મોટા માથાઓના માણસોને પણ કમિટીમાં સ્થાન આપીને સાચવવા પડતા હોય છે. જોકે ગત વખતે એક કમિટીના ચેરમેન સામે તમામ સભ્યોએ બળવો કરી તેની હકાલપટ્ટી કરવા માટેની માગણી કરી હતી. શહેરના મોટા હોટેલિયર દ્વારા જે તે કમિટીના ચેરમેનનો ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે ચેમ્બરની કોઈ કમીટીમાં આવો અસંતોષ ઉભો ના થાય તેના માટે પણ હોદ્દેદારો ખાસ તકેદારી રાખી રહ્યા હોવાનું જાણી શકાયું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here