અમદાવાદ,તા.૯
ચાંગોદર રેલ્વે ક્રોસિંગ પાસે બાઈક પર સવાર પાન મસાલાની કંપનીના કર્મચારીઓ પર લાકડાના દંડાથી હુમલો કરી ૬ શખ્સોએ રૂ. ૪૪.૫૦ લાખની રોકડ રકમ ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી. આ ગુનામાં ૪થી વધુ આરોપીઓ હોવાથી પોલીસે ધાડની કલમ લગાવી તપાસ હાથ ધરી હતી. અમદાવાદ ગ્રામ્ય પોલીસે ૪ ટીમો બનાવી ૫ કલાકના ટૂંકા ગાળામાં જ ૬ આરોપીને ઝડપી લીધા હતા. જેમાં કંપનીના ચોકીદારે ટીપ આપી પોતાના સગા ભાઈ સાથે લૂંટ કરાવ્યાનુ ખુલ્યું હતું. બે ભાઈઓ સહિત ૬ આરોપીને ઝડપી પોલીસે રૂ.૪૪.૫૦ લાખની રોકડ રકમ કબ્જે લીધી હતી. સામાન્ય રીતે લૂંટની ઘટનાઓ બને ત્યારે તેની ફરિયાદ લેવામાં જ કલાકોનો સમય વીતી જતો હોવાની અસંખ્ય લોકોને અનુભવો થતા હોય છે.
પરંતુ જીલ્લા પોલીસે ઘટનાની ગંભીરતા દાખવીને તુરત જ કાર્યવાહી હાથ ધરી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. પોલીસના જણાવ્યા મુજબ ચાંગોદરમાં આવેલી એક પાન મસાલાની ફેકટરીમાં કામ કરતા સંદીપ બલીરામ યાદવ રાત્રે આઠ વાગે બાઈક લઈને નિકળ્યો હતો. સંદિપ બાઈક પર બેસી ચાંગોદર રેલવે ફાટક પાસેથી પસાર થતો હતો. તે સમયે છ જેટલા અજાણ્યા શખસોએ તેના બાઈકને રોકી હુમલો કર્યો હતો. લૂંટારુઓ સંદિપ પાસેના થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
જે થેલામાં ૪૪ લાખ ૫૦ હજારની રોકડ રકમ ભરેલી હતી.આ ઘટના અંગે સંદિપે ચાંગોદર પોલીસને જાણ કરતાં પોલીસે તુરત જ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની ટીમોએ જુદી જુદી ચારેય બાજુ નાકાબંધી ગોઠવી દીધી હતી. અને લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલા આરોપીઓ જીલ્લો છોડી ભાગે તે પહેલા જ ઝડપી લીધા હતા. પોલીસે માત્ર ચારેક કલાકમાં ૬ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી દીધો હતો. ચાંગોદર પોલીસે સુત્રધાર વિક્કી સહિતના શખસો સામે ગુનો નોંધી તમામ આરોપીની વિધિવત રીતે ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. તમામ આરોપીઓ અમદાવાદ જિલ્લાના નજીકના રહેવાસી છે.