અમદાવાદ,તા.૧૫
શહેરની વાસણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે બે કુખ્યાત આરોપીને ઝડપી લઈ આંતરરાજ્ય ચોરી ટોળકીના વિવિધ ગુનાઓનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં આ આરોપીઓએ આચરેલા ગુના અને તેમની ચોરીની મોડસ ઓપરેન્ડી જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. હાલ પોલીસએ આ બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં ચોરી થયેલ કાર અને બાઈકના ગુનાઓનો ભેદ આ બંને કુખ્યાત ચોર પકડાતા ઉકેલાયો છે. ઝોન ૭ ડીસીપી પ્રેમસુખ ડેલુએ આ મુદ્દે જણાવ્યું હતું કે વાસણા પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બે શખ્સો ઉપર શંકા જતા તેમની પૂછપરછ કરી હતી. તેમની તલાશી લેતા ૬ માસ્ટર કી, કાર અને બાઈકની ચાવીઓ, મોબાઈલ અને પિસ્તોલ જેવુ લાઈટર મળી આવ્યું હતું. કડકાઇથી પૂછપરછ કરતા તેઓએ બાઇક ચોરી અને ઇકો કાર ચોરીના ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી.
આ કુખ્યાત આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી છે કે તેઓ રાજસ્થાનથી લકઝરી બસમાં અમદાવાદ સુભાષબ્રિજ ઉતરતા. માસ્ટર કી થી કોઈપણ બાઇકની ચોરી કરી સિટીમાં ફરતા અને જ્યાં ઇકો કાર દેખાય તે ઇકો કાર ટાર્ગેટ કરતા. માસ્ટર કીની મદદથી ઇકોનું લોક ખોલી ચોરી કરતા હતા. આ બંને આરોપીઓએ અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આચરેલી ૧૦ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. બંને આરોપીઓમાં મોહનલાલ ઉર્ફે મુન્નો ઉર્ફે શોભરામ ચારણ મૂળ બાડમેર રાજસ્થાનનો છે. તે અગાઉ ૨૦૧૬માં આનંદનગરમાં વાહન ચોરીના ગુનામાં પકડાયો હતો.
જયારે જશારામ ઉર્ફે જશું બાડમેર રાજસ્થાનનો છે. બંને વિરુદ્ધ રાજસ્થાનમાં જેસલમેર અને બાડમેર પોલીસ સ્ટેશનમાં ઘણા ગુનાઓ નોંધાયેલા છે. તો ગુજરાતમાં અમદાવાદ અને બનાસકાંઠામાં ઘણા ગુના આચર્યા છે. મધ્યપ્રદેશમાં પણ ઘણા ગુના આરોપીઓ વિરુદ્ધ દાખલ થયેલા છે. આરોપીઓ અહીંથી ઇકો ચોરી રાજસ્થાનમાં બાડમેર, પોખરણ અને યુપીમાં ચોરી અને એનડીપીએસ, પ્રૉહીબિશનના ગુના આચરતા હતા. આ ગેંગ ઇકો ચોરી કરી રાજસ્થાન લઇ જતા અને મધ્યપ્રદેશ તરફથી અફીણની તસ્કરી કરતા હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં દારૂના ગુનાઓ દાખલ થયા છે.
અમંગલની આશંકાઃ અમદાવાદમાં રિવોલ્વર સાથે જીવતા કારતૂસના પાઉચ પણ ચોરાયા
અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાંથી ચોરીની એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીંયા તસ્કરોએ કઈ કિંમતી માલસામાનના બદલે રિલોવ્લવરની ચોરી કરી લીધી છે. જોકે, રિવોલ્લવર સાથે જીવતા કારતૂસના પાઉચ પણ ચોરાઈ જતા ચોરીની નુકસાની સાથે કઈ પણ અમંગળ થવાનીં સંભાવનાઓ વધી ગઈ છે. સિનિયર સિટીઝને સુરક્ષા માટે લીધેલ રિવોલ્વર ઘરના બેડરૂમ માંથી કોઈ ચોરી કરી ગયું હોવાનો બનાવ શાહીબાગ માં સામે આવ્યો છે. શાહીબાગ માં રહેતા અને સમાજસેવા કરતા ચંદુલાલ પટેલે પોલીસ ફરિયાદ આપી છે કે તેમણે હથિયાર રાખવાનો પરવાનો મેળવવા બાદ પોતાની સુરક્ષા માટે નહેરુનગર સર્કલ પાસે થી કોલ્ડ પોકેટ પોઝિશન મેઇડ ઈન યુ એસએ રિવોલ્વર અને દસ કારતૂસ રૂપિયા ૫ લાખમાં ખરીદ્યા હતા.
ગત ૧૮મી ડિસમ્બરના દિવસે ઊંઝામાં લક્ષ ચંડી હવનનો કાર્યક્રમ હોવાથી તેઓ હથિયાર લઈને ત્યાં ગયા હતા. ૨૨ મી તારીખે રાત્રે પરત આવ્યા બાદ તેમણે ચાર કારતૂસ ભરેલી બત્રીસ બોર ની રિવોલ્વર અને ૬ કારતૂસ ભરેલ પાઉચ તેમના બેડરૂમમાં આવેલ એક ડ્રોવરમાં મૂક્યું હતું. જોકે ૧૦ જાન્યુઆરીએ તેઓએ રાજકોટ જવાનું હોવાથી રિવોલ્વર લેવા માટે ડ્રોવર ખોલ્યું હતું પરંતુ તેમાંથી રિવોલ્વર અને કારતૂસ મળી આવ્યા ન હતા.
તેથી ફરિયાદીએ ઘરમાં પણ અને જગ્યાએ શોધખોળ કરી હતી પરંતુ ત્યાંથી પણ ન મળી આવતાં અંતે તેઓએ પોલીસને જાણ કરી છે. ફરિયાદી એ આ હથિયાર રાખવાનો પરવાનો હિંમતનગર કલેકટર પાસે થી મેળવ્યો હતો. અને જેનું લાયસન્સ પણ તેઓ અવાર નવાર રીન્યુ કરવા હતા. હાલમાં પોલીસ એ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે. જોકે, આ પ્રકારની ચોરીમાં અને તે પણ બેડરૂમમાંથી થયેલી ચોરીમાં કોઈ જાણભેદું જ ચોરી કરી ગયો હોવાની શક્યતાઓ વધી જતી હોય છે તેથી પોલીસને ટૂંક સયમમાં તસ્કર મળી જાય તેવી વકી છે. જોકે, સિનિયિર સિટીઝનને સુરક્ષા માટે રિવોલ્વર રાખવી પડે તે પણ એક અજીબોગરીબ કિસ્સો કહી શકાય છે.
અમદાવાદમાં અકસ્માત થતા વાહનમાંથી મળી ઇંગ્લિશ દારૂની બોટલો
શહેરની કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ જે આર પટેલે હત્યા કેસમાં ભીનું સંકેલતા તેમની બદલી કરી દેવાઈ હતી. પણ ફરી એક વાર કૃષ્ણનગર પોલીસની શંકાસ્પદ કામગીરી સામે આવી છે. સરદાર ચોક પાસે ઉત્તરાયણના દિવસે એક અકસ્માત થતા લોકોએ અકસ્માત કરનાર ને ૪૦ બોટલ ઇંગ્લિશ દારૂ સાથે પકડ્યો હતો. બાદમાં પોલીસ આવી પહોંચી અને ફરિયાદ નોંધી હતી. જોકે આ ફરિયાદમાં પોલીસે આરોપીને ફરાર બતાવી ૨૦ બોટલ દારૂ કબ્જે લેવાનો ઉલ્લેખ કરતા પોલીસની શંકાસ્પદ કામગીરી સામે આવી છે. શહેર પોલીસ કન્ટ્રોલરૂમને ઉત્તરાયણના દિવસે સવારે એક મેસેજ મળ્યો હતો.
કૃષ્ણનગરમાં આવેલા સરદાર ચોક પાસે ઉત્તરાયણના દિવસે સવારે એક અકસ્માત થયો હતો. જેને લઈને પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસે ત્યાં જઈને જોયું તો એક એક્ટિવા ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે કાર્યવાહી કરી હતી. બાઇક પર જતા જે લોકોને અકસ્માત સર્જ્યો તે લોકોની પણ પૂછપરછ હાથ ધરી હતી. બાદમાં પોલીસે આ મામલે તપાસ કરી તો એક્ટિવામાંથી ૨૦ બોટલ દારૂ મળી આવ્યો હતો. જોકે આ કેસમાં આરોપી ફરાર હોવાનું ફરિયાદમાં દર્શાવવામાં આવ્યું છે. ઘટના સ્થળે હાજર લોકોનો આક્ષેપ છે કે જેવો અકસ્માત થયો તરત જ લોકો ભેગા થઈ ગયા હતા.
જે એક્ટિવા ચાલકે અકસ્માત સર્જ્યો તેને પકડી માર પણ માર્યો હતો અને તે વ્યક્તિના વાહનમાં ૪૦ જેટલી દારૂની બોટલ હતી. પણ હવે પોલીસની આ કામગીરી શંકાસ્પદ હોવાની ચર્ચા છે. કારણકે કૃષ્ણનગર પોલીસે આરોપીને ફરાર બતાવ્યો છે અને બીજી તરફ દારૂની બોટલ સ્થાનિકોના જણાવ્યા મુજબ ૪૦ હતી પણ પોલીસે ૨૦ બોટલ હોવાનો ફરિયાદ માં ઉલ્લેખ કર્યો છે. ત્યારે આ મામલે ઉચ્ચ અધિકારીઓ તપાસ કરીને શું પગલાં લે છે તે જોવાનું રહેશે.