અમદાવાદમાં બે કલાકમાં પૂર્વમાં ૪ તો પશ્ચિમમાં બે ઇંચ વરસાદ

0
20
Share
Share

અમદાવાદ,તા.૧૮

અમદાવાદ શહેરમાં સોમવારની રાતે બે કલાકમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં ચોતરફ પાણી ભરાવવાના દૃશ્યો જોવા મળ્યા હતા. સોમવારની રાતે ૮થી ૧૦ના સમયગાળામાં પૂર્વ વિસ્તારોમાં ચાર ઇંચ જેટલો તો પશ્ચિમ વિસ્તારોમાં બે ઇંચ જેટલો વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. શહેરમાં બે કલાકમાં સરેરાશ સવા બે ઇંચ જેટલો વરસાદ પડયો હતો. શાહીબાગ અને મીઠાખળી અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરવા પડયા હતા જ્યારે ૧૦૦થી વધુ સ્થળોએ ઘૂંટણસમા પાણી ભરાયા હતા. વરસાદને કારણે રોડ ઉપર પાણી ભરાઇ જતાં વાહનો ખોટકાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા હતા. અમદાવાદ શહેરમાં સોમવારે રાતે ૮થી ૧૦ના અરસામાં ચકુડિયામાં ૭૦ મીમી,

ઓઢવમાં ૯૯.૫૦ મીમી, વિરાટનગરમાં ૯૫ મીમી, મણિનગરમાં ૭૯ મીમી, વટવામાં ૭૧.૫૦ મીમી, મેમ્કોમાં ૭૫ મીમી, નરોડામાં ૬૬ મીમી, કોતરપુરમાં ૪૬ મીમી વરસાદ પડયો હતો જ્યારે કોટ વિસ્તારના દાણાપીઠમાં ૬૨ મીમી અને દુધેશ્વરમાં ૫૯.૫૦ મીમી વરસાદ પડયો હતો. જ્યારે પશ્ચિમ વિસ્તારના પાલડીમાં ૬૦ મીમી, ઉસ્માનપુરામાં ૪૫ મીમી, ચાંદખેડામાં ૨૬ મીમી અને રાણીપમાં ૩૦.૫૦ મીમી, બોડકદેવમાં ૧૮.૫૦ મીમી, ગોતામાં ૯.૫૦ મીમી અને સરખેજમાં ૧૯ મીમી વરસાદ પડયો હતો જ્યારે આખા દિવસ દરમિયાનની વાત કરીએ તો સવારે ૬થી સાંજના ૧૦ સુધીમાં મેમ્કોમાં ૧૦૦.૫૦ મીમી એટલે કે, ચાર ઇંચથી વધુ વરસાદ પડયો હતો. ભારે વરસાદને પગલે વાસણા બેરેજના ૨૨, ૨૩ અને ૨૪ નંબરના ત્રણ ગેટ ત્રણ ફુટ સુધી ખોલવાની ફરજ પડી હતી.

આ પહેલાં શહેરમાં સોમવારની રાતે ૮ વાગ્યા પછી વરસાદી માહોલ જામ્યો હતો. પહેલાં શહેરના પૂર્વ વિસ્તારોમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી તો પછી પશ્ચિમ વિસ્તારોમાં મેઘો ફરી વળ્યો હતો. સોમવારે રાતે ૮થી ૯ વાગ્યાના અરસામાં પૂર્વ વિસ્તારોમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડયો હતો. એક કલાકમાં ચકુડિયામાં ૨૭.૫૦ મીમી, ઓઢવમાં ૪૨ મીમી, વિરાટનગરમાં ૩૬.૫૦ મીમી, મણિનગરમાં ૩૦ મીમી અને વટવામાં ૩૯.૫૦ મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે પશ્ચિમ વિસ્તારોમાં ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. આ એક કલાકમાં પાલડીમાં ૧૭ મીમી અને દાણાપીઠમાં ૧૫ મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે અન્ય વિસ્તારોમાં ચારથી પાંચ મીમી વરસાદ પડયો હતો પછી રાતે ૯ વાગ્યા પછી પશ્ચિમના વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here