અમદાવાદમાં બે અલગ અલગ કેસમાં ૧૦-૧૦ લાખની કિંમતના દાગીના ચોરાયા

0
13
Share
Share

અમદાવાદ,તા.૮

અમદાવાદમાં દાગીના ચોરીના બે ગુના પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાંથી એક કેસમાં ઘરમાંથી ૧૦ લાખથી વધારેની કિંમતના દાગીના ચોરાયા છે. જ્યારે બીજા બનાવમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધાએ થેલામાં રાખેલા આશરે ૧૦ લાખ રૂપિયાની કિંમતના દાગીના ચોરી લેવામાં આવ્યા છે. પ્રથમ બનાવમાં અમદાવાદ ખાતે રહેતા નિવૃત્ત મહિલા પ્રૉફેસરને શ્રાદ્ધ આપવા ભાઈના ઘરે જવું ભારે પડ્યું છે. નિવૃત મહિલા પ્રૉફેસર અને તેમના માતા ઘર બંધ કરીને ગાંધીનગર ગયા હતા ત્યારે તેમના ઘરમાંથી ૧૦.૪૬ લાખના દાગીના ગાયબ થઈ ગયા હતા. અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા રિઝર્વ સ્ટાફ પાસે રહેતા મીનાબેન પંડ્યા રાજકોટ ખાતેની એક કૉલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા હતા. બાદમાં તેઓએ નોકરીમાંથી વી.આર.એસ લઈને તેમના માતા સાથે રહેતા હતા. ગત તા.૪ના રોજ તેઓ તેમની માતા સાથે તેમના ઘરે તાળું મારીને તેમના પિતાનું શ્રાદ્ધ આપવા સારુ ગાંધીનગર ખાતે તેમના ભાઈના ઘરે ગયા હતા.

તા. ૭ના રોજ બપોરે મીનાબેન અને તેમના માતા ઘરે પરત આવ્યા હતા. આ દરમિયાન તેમણે જોયું કે ઘરની અંદર દરવાજાની બાજુમાં આવેલી બારીની ગ્રીલ તૂટેલી હતી. ઘરની અંદર બેડરૂમમાં જઈને જોયું તો તિજોરી તથા પેટી પલંગ તથા કબાટનો સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો. આ પેટી પલંગને લૉક માર્યું હતું અને તેની ચાવી કબાટમાં મૂકી હતી, તે પેટી પલંગની ચાવી જોતા કબાટમાં મળી આવી ન હતી. પેટી પલંગનું લૉક પણ તૂટેલું હતું. પેટી પલંગમાં તેઓએ દાગીના અને રોકડા રૂપિયા મૂક્યા હતા. ઘરમાં ચોરી થઇ હોવાની જાણ થતાં જ તાત્કાલિક તેઓએ રાણીપ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. રાણીપ પોલીસે આ મામલે કુલ ૧૦.૪૬ લાખની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

મૂળ સુરેન્દ્રનગરના અને હાલ અમદાવાદમાં રહેતા એક વૃદ્ધા રિક્ષામાં બેસીને ગામડેથી પરત આવતા ચોરીનો ભોગ બન્યા હોવાની ઘટના સામે આવી છે. વૃદ્ધા અમદાવાદ ખાતેના ઘરેથી દાગીના લઇને માર્ચ મહિનામાં જ તેમના વતન જતા રહ્યા હતા. પરંતુ હાલ લૉકડાઉનમાં છૂટ મળતા તેઓ અમદાવાદ તેમના પુત્ર સાથે આવ્યા હતા. એસટી બસમાંથી ઊતરી વસ્ત્રાલ ખાતે ઉતર્યા બાદ તેઓ રિક્ષામાં બેસીને ઘરે જતા હતા. આ દરમિયાન રિક્ષામાં બેઠેલા શખ્સોએ નજર ચૂકવી ૯.૮૪ લાખના દાગીના ચોરી લીધા હતા. સમગ્ર મામલે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here