અમદાવાદ,તા.૨૯
એક વર્ષ પહેલા સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા જીવલેણ કોરોના વાઈરસ સામેની જંગ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ચૂકી છે. અમદાવાદમાં પણ ધીમે-ધીમે કોરોના સંક્રમિતોની સંખ્યા સતત ઘટી રહી છે. કોરોનાને નાથવા માટે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદમાં પણ દિન-પ્રતિદિન કોરોના વૅક્સીન લેનારા લોકોની સંખ્યા વધી રહી છે. એએમસી દ્વારા શહેરના વિવિધ વેક્સીનેશન સેન્ટર પરથી કુલ ૫૬૬૫ લોકોને કોરોનાની વૅક્સીન આપી હતી.
૨૪ કલાક દરમિયાન આપવામાં આવેલી વૅક્સીનથી કોઈને આડઅસર થઈ નથી. જ્યારે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં કોરોના વૅક્સીન મામલે એક રેકોર્ડ બનાવી દીધો. જ્યાં એક જ દિવસમાં ૭૬૨ સ્વાથ્ય કર્મચારીઓએ વૅક્સીન લીધી. આ તમામ કર્મચારીઓમાં વૅક્સીન લેવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો. કોરોના વૅક્સીનેશન અભિયાનના ૭માં દિવસ વિવિધ વિભાગોના તબીબો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ અને સિક્યોરિટી જવાનોને મળીને કુલ ૭૬૨ વૅક્સીન આપવામાં આવી હતી.
સિવિલ હોસ્પિટના જૂના ટ્રોમા સેન્ટરમાં ગુરુવારે ૩ નવા સેન્ટરો પર આ વૅક્સીન આપવામાં આવી. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૬ દિવસમાં વૅક્સીન લેનારાની સંખ્યા ૬૪૧ હતા. જ્યારે એક જ દિવસમાં ૭૬૨ લોકોએ કોરોનાની વૅક્સીન લીધી. આ સાથે જ સિવિલ હોસ્પિટલમાં કોરોના વૅક્સીન લેનારા લોકોની કુલ સંખ્યા ૧૪૦૩ પર પહોંચી ગઈ છે. ગુરુવારે વૅક્સીન લેનારા લોકોમાં ૩૫૦ પુરુષ અને ૪૧૨ મહિલા કર્મચારી સામેલ હતા.