
અમદાવાદ,તા.૧૨
શહેરમાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. કોન્સ્ટેબલ પોતાનાં પત્ની સાથે બજારમાં ખરીદી કરવા માટે નિકળ્યા ત્યારે એક બીજી બાઇક સાથે ટક્કર થતા તેઓ રોડ પર પટકાતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. રેન્જ આઇજી બાદ એક કોન્સ્ટેબલનું પણ મોત નિપજતાં પોલીસ બેડામાં શોકની લાગણી છે. એક જ દિવસમાં જિલ્લા પોલીસે બે વ્યક્તિઓ ગુમાવ્યા છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર યોગેશભાઇનો અકસ્માત થયો હતો.
જેના પગલે તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. યોગેશભાઇ પોતાના પત્ની સાથે બજારમાં જરૂરી સામાનની ખરીદી કરવા માટે નિકળ્યા હતા. ત્યારે તેમની એક્ટિવાને એક બાઇકે ટક્કર મારી હતી. જેના કારણે તેઓ રોડ પર પટકાયા હતા. જેથી તેમને માથા તથા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તત્કાલ ૧૦૮ની મદદથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, યોગેશ પરમાર નવી ફતેહવાડી ખાતે રહે છે. તે મુળ ગીર સોમનાથ જિલ્લાનાં રહેવાસી છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. હાલ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ અકસ્માતના પગલે પરિવાર પર આભ ફાટી પડ્યું છે. હાલ તો પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ અને પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.