અમદાવાદ,તા.૨
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે દરેક પાર્ટીએ ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કોંગ્રેસે ભારે જહેમત બાદ પાંચ મહાનગર પાલિકામાં ૧૪૨ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જો કે આ યાદીમાં અમદવાદ શહેરની બાદબાકી કરવામાં આવી હતી. જો કે શહેરના સરદારનગર વોર્ડમાં કોંગ્રેસ નેતાએ ટિકિટ મળ્યા પહેલા જ પ્રચાર શરૂ કરી દીધો છે. સરદારનગર વોર્ડના પૂર્વ કોર્પોરેટર ઓમ પ્રકાશ તિવારીએ પોતાની ટિકિટ ના મળી હોવા છતાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે.
ઓમ પ્રકાશ તિવારી આજે પોતાના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે પ્રચાર અર્થે નીકળ્યા હતા. આ અંગે પૂછવામાં આવતા ઓમ પ્રકાશ તિવારીએ પાર્ટી પોતાને જ ટિકિટ આપશે અને સરદાર નગર વોર્ડમાં કોંગ્રેસની પેનલનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જણાવી દઈએ કે, કોંગ્રેસ દ્વારા ગઈકાલે મોડી રાત્રે ભાવનગર, સુરત, રાજકોટ અને જામનગર મહાનગર પાલિકા માટે ૧૪૨ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જ્યારે અમદાવાદના ઉમેદવારોની યાદી જાહેર કરવાનું ટાળ્યું હતું. હવે કોંગ્રેસ આવતી કાલે ૩ ફેબ્રુઆરીએ પોતાની બીજી યાદી જાહેર કરે તેવી શક્યતા છે. જેમાં ટિકિટ મળ્યા પહેલા પ્રચાર શરૂ કરનારા ઓમ પ્રકાશ તિવારીને ટિકિટ મળે છે કે કેમ? તે જોવું રહ્યું.