અમદાવાદમાં આજ રાત્રે ૯થી એસટી બસના પ્રવેશ પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ

0
21
Share
Share

અમદાવાદ,તા.૨૦
અમદાવાદમાં કોરોના વકરતા સરકારે આજ રાતના નવ વાગ્યાથી એસટી સર્વિસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આના પગલે રાતના નવ વાગ્યા પછી એસટી બસો અમદાવાદમાં નહી પ્રવેશી શકે અને બહાર પણ નહીં જઈ શકે. આગામી નિર્ણય જાહેર ન થાય ત્યાં સુધી આ નિર્ણય અમલી રહેશે. સરકારના આ નિર્ણયના પગલે અમદાવાદના ગીતામંદિર એસટી સ્ટેશન પર યાત્રિકોનો ધસારો જોવા મળ્યો હતો. તેમા સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા હતા. અમદાવાદ આવેલા લોકોએ રીતસર પરત ફરવા માટે ગીતામંદિર સહિતના મોટા એસટી સ્ટેન્ડ્‌સ તરફ દોટ લગાવી હતી. તેના પગલે અમદાવાદના ગીતામંદિર સાથેના વિવિધ એસટી સ્ટેન્ડ પર ભારે ધસારો જોવા મળ્યો હતો. તેની સાથે નિયમોના પાલનની વાત તો દૂર પણ નિયમ જેવું જ કશું દેખાતું ન હતું. આ સંજોગોના કોરોના ફેલાતો ક્યાંથી અટકે.
આ રીતે એસટીમાં જનારા પ્રવાસીઓ જ્યાં-જ્યાં પણ જાય તે પોતાના વિસ્તારમાં સુપરસ્પ્રેડર બની શકે છે.દિવાળીના તહેવાર પછી અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થવાથી પરિસ્થિતિ વધારે ગંભીર થઈ છે. સરકારે આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને શુક્રવારે રાતે નવ વાગ્યાથી ૨૩મીએ સોમવારે સવારે છ વાગ્યા સુધીના ૫૭ કલાકના કરફ્યુની જાહેરાત કરી છે. તેના પછી સરકારે ગઈકાલે ૨૩મીથી શાળા કોલેજો શરૂ કરવાની હતી તે નિર્ણય પર બદલતા શાળા કોલેજોને આગળ જાહેરાત થાય નહીં ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. આના પછી હવે શહેરમાં આજ રાતથી સોમવાર સવાર સુધી એસટી બસની સેવા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાત્રે નવ વાગ્યા પછી શહેરમાં એસટી બસ નહીં પ્રવેશી શકે.
એસટીના અમદાવાદમાં પ્રવેશ પરના પ્રતિબંધના સમાચારને અમદાવાદ એસટીના ડેપો મેનેજર એચ.એન. દવેએ સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે શુક્રવારથી કરફ્યુને લઈને અમદાવાદમાં એસટીના આવાગમન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિવાય બહારગામથી અમદાવાદ થઈને જતી એસટી બસો હવે અમદાવાદ બાયપાસ થઈને જશે. અમદાવાદમાં રાત્રે ઉપડતી લગભગ ૩૫૦ જેટલી બસો બંધ રાખવાનો નિર્ણય પણ એસટી વિભાગે લીધો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કેસો વધતા સાવચેતીના ભાગરૂપે દસક્રોઈની બારેજા નગરપાલિકાએ ૨૧ થી ૩૦ નવેમ્બર સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. અમદાવાદમાં આ પહેલા સ્થિતિ સુધરતા પહેલી ઓગસ્ટે કરફ્યુ હટાવવામાં આવ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here