અમદાવાદની સોલા સિવિલમાં કોવેક્સિન ડોઝ આપવાના શરૂ

0
38
Share
Share

બે દિવસ પહેલાં જ શહેરમાં પહોંચેલી વેક્સિનના બે ડોઝ ૫૦૦ લોકોને અપાશે, બે ડોઝ વચ્ચે ૩૦ દિવસનું અંતર

અમદાવાદ, તા. ૨૬

ભારત બાયોટેક દ્વારા બનાવાયેલી કોરોનાની વેક્સિન કોવેક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલ સોલા સિવિલ હોલ્પિટલમાં શરુ થઈ ગઈ છે. આજે કેટલાક લોકોને આ રસીનો પહેલો ડોઝ આપવામાં આવી રહ્યો છે. આરોગ્ય મંત્રી નીતિન પટેલે ગઈકાલે જણાવ્યું હતું કે ૫૦૦ લોકોને આ રસીના બે ડોઝ ૩૦ દિવસના અંતરે આપવામાં આવશે, અને જે લોકોએ પોતાના નામ નોંધાવ્યા છે તેમને રસી આપવા માટે હોસ્પિટલ દ્વારા બોલાવાશે.

આ રસીના ડોઝ બે દિવસ પહેલા જ સોલા સિવિલમાં આવી ગયા હતા, જ્યાં તેમને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવ્યા છે. ગઈકાલે એક્સપર્ટ્‌સની એક ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને તેણે ટ્રાયલમાં ભાગ લેનારા ડોક્ટર્સ તેમજ અન્ય મેડિકલ સ્ટાફને આ અંગે ટ્રેનિંગ આપ્યા બાદ આજથી ટ્રાયલ શરુ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં પહેલીવાર આ રસીની ટ્રાયલ થઈ રહી છે. કોવેક્સિનની પહેલી અને બીજી ટ્રાયલ પૂરી થઈ ચૂકી છે, અને તેના પરિણામ ખાસ્સા પ્રોત્સાહજનક રહ્યા છે.

ત્રીજા સ્ટેજમાં આ રસી દેશના વિવિધ ભાગોમાં દસ હજારથી પણ વધુ લોકોને આપવામાં આવશે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રોટોકોલ અનુસાર, રસીનો પહેલો ડોઝ આપ્યા બાદ જે વ્યક્તિને ડોઝ અપાયો છે તેના શરીરમાં તેની કેવી અસરો થાય છે, તેમજ તેનામાં કોરોના સામે લડવા માટે એન્ટિબોડી સર્જાયા કે નહીં તે સહિતની તમામ વિગતોની ખૂબ જ ઝીણવટભરી નોંધ કરવામાં આવશે, અને ૩૦ દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે.

હાલ ભારતમાં કોવેક્સિન ઉપરાંત ઓક્સફોર્ડ યુનિ. દ્વારા બનાવાયેલી રસીની પણ ટ્રાયલ ચાલી રહી છે. જોકે, મેડ ઈન ઈન્ડિયા વેક્સિનમાં હાલ કોવેક્સિન પરિક્ષણના સૌથી એડવાન્સ સ્ટેજમાં ચાલી રહી છે. ૧૦ હજાર લોકો પર તેની ટ્રાયલ લેવાઈ જાય ત્યારબાદ તેનો વિસ્તૃત ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે, અને ત્યારબાદ તેને મંજૂરી માટે મોકલવામાં આવશે. ડેટા તપાસ્યા બાદ સરકાર તેને મંજૂરી આપે ત્યારપછી આ રસી માર્કેટમાં આવી શકશે. હાલની સ્થિતિ મુજબ આ બધી પ્રક્રિયામાં અડધું ૨૦૨૧ પૂરું થઈ જાય તેવી શક્યતા છે. ભારત બાયોટેકના એમડી ડૉ. ક્રિષ્ના એલ્લાના જણાવ્યા અનુસાર, આ રસીના ડોઝની કિંમત ૧૦૦ રુપિયાથી પણ ઓછી રહેશે. જેના કારણે દેશની મોટાભાગની જનતા તેને લઈ શકશે. હાલ ટ્રાયલમાં ૩૦ દિવસના ગેપમાં રસીના બે ડોઝ અપાઈ રહ્યા છે, પરંતુ રસી લોન્ચ થઈ જાય ત્યારબાદ તેના કેટલા ડોઝ આપવાના રહેશે તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here