અમદાવાદના શહેરકોટડા પોલીસે ગેસ કટિંગ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું

0
20
Share
Share

અમદાવાદ,તા.૨૧

જો તમારા ઘરે ગેસ સિલિન્ડર આવે છે અને તમે તેનું વજન ચેક નથી કરતાં તો તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો. કારણ કે અમદાવાદના શહેરકોટડા પોલીસે ગેસ કટિંગ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. લોડિંગ રિક્ષાના માલિક અને ડિલિવરી બોયને ઓછી કમાણી થતાં તેઓએ વધુ રૂપિયા કમાવવા માટે ગેસ કટિંગનુ કૌભાંડ શરૂ કર્યું હતું. આ શખ્શો ગેસ ભરેલાં બાટલામાંથી થોડો ગેસ અન્ય ખાલી બાટલામાં કાઢી લોકોને ઓછો ગેસ સપ્લાય કરતાં હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના શહેરકોટડા પોલીસને બાતમી મળી હતી કે કેટલાંક લોકો ગેસનું કટિંગ કરી લોકો સાથે છેતરપીંડી આચરે છે. જેથી બાતમીના આધારે પોલીસે એક લોડીંગ રીક્ષા નવદુર્ગાની ચાલી પાછળ આવેલી આંગણવાડી પાસે ઊભી રાખી હતી.

જેની તપાસ કરતાં રિક્ષામાં રહેલાં બે યુવકો સંજય સાહુ અને રમેશ વાઘેલા ભરેલાં ગેસ સિલિન્ડરમાથી ખાલી સિલિન્ડરમાં ગેસ સપ્લાય કરતા હતા. બન્ને આરોપી દર ૧૦ સિલિન્ડરમાંથી એક ખાલી સિલિન્ડર ભરી બ્લેકમાં વેચાણ કરતાં હોવાનુ સામે આવ્યું છે. જે અંગે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી બન્ને આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ઝડપેલાં સંજય સાહુ અને રમેશ વાઘેલા નામના બંને શખ્સોની વધુ તપાસ કરતાં સામે આવ્યું કે તેમની પાસે કુલ ૧૯ ગેસના બાટલા મળી આવ્યા છે. જે ગેસના બાટલા ઉપર એક ધાતુની નાની પાઇપ એટલે કે પેન્સિલ લગાડી ગેસ ચોરી કરતા હતા. અને શહેરમાં જે લોકો પાસે ગેસ કનેક્શન નથી તેવા લોકોને ૧૦૦૦ થી ૧૨૦૦ રૂપિયામાં વેચતા હતા.

આરોપીને રોજના ૨૫ બોટલો ડિલિવરી માટે મળતી હતી જેમાથી તેઓ રોજના બે ખાલી બોટલ ગેસ ચોરી કરી ભરતા અને બારોબાર વેચી દેતાં હતા. બંને શખ્સોની પુછપરછ કરતાં સંજય નામના શખ્શે પોલીસને જણાવ્યું કે લોડિંગ રીક્ષા તેની પોતાની માલિકીની છે અને પોતે એચપી ગેસની કંપનીમાં છેલ્લા એક વર્ષથી ડિલિવરી બોય તરીકે કામ કરે છે. અને તેની સાથેનો રમેશ વાઘેલા બાટલા ઉતારવાની મજૂરી કામ કરે છે. જો કે બંનેને મજૂરીના પૈસા ઓછા મળતાં હોવાથી વધુ પૈસા કમાવવા ગેસના બાટલામાંથી થોડો-થોડો ગેસ કાઢી પોતાની પાસેના ખાલી બાટલામાં ભરી દેતા હતા. અને તેને વેચીને પૈસા કમાવવાનું વિચારી કૌભાંડ આચરતા હતા. જેથી પોલીસે આ બન્ને શખ્સો પાસેથી લોડીંગ રીક્ષા અને ગેસની બોટલ કબજે કરી કુલ ૧.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here