અભિનેતા નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

0
23
Share
Share

બોલિવૂડના ઘણાં કલાકારો કોરોના વાયરસ સંક્રમિત થઈ ચૂક્યા છે ત્યારે ગુજરાતી સિનેમામાં પણ વાયરસ ફેલાયો

અમદાવાદ,તા.૨૧

બોલિવૂડના ઘણાં કલાકારો કોરોના વાયરસ સંક્રમિત થઈ ચૂક્યા છે ત્યારે ગુજરાતી સિનેમાના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ તેઓને વધુ સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના ફેન્સ ચોંકી ગયા છે અને નરેશ કનોડિયા જલદી સાજા થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનો જન્મ તારીખ ૨૦ ઓગસ્ટ, ૧૯૪૩ના રોજ મહેસાણા પાસે આવેલા કનોડા ગામમાં થયો, તેઓ સફળ એક્ટર સહિત કુશળ સંગીતકાર પણ છે. તેમણે વર્ષ ૧૯૭૦માં આવેલી ગુજરાતી ફિલ્મ વેલીને આવ્યા ફૂલથી એક્ટર તરીકેની શરૂઆત કરી. તે વર્ષે જ આવેલી ફિલ્મ જીગર અને અમીમાં પણ તેમણે નાનકડો રોલ ભજવ્યો હતો. નરેશ કનોડિયાનો જન્મ ગરીબ મિલ કામદારના પરિવારમાં થયો, તેમણે સિંગર અને ડાન્સર તરીકે કરિયરની શરૂઆત કરી અને આ સાથે તેમના ભાઈ મહેશ કનોડિયા પણ જોડાયા હતા. તેઓ એટલા સફળ થયા કે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં તેઓ મહેશ-નરેશની જોડી તરીકે ઓળખાયા. વર્ષ ૧૯૮૦ના દાયકામાં મહેશ-નરેશની આ જોડીએ આફ્રિકા, અમેરિકા સહિત એશિયાના વિવિધ દેશોમાં સ્ટેજ શો પરફોર્મ કર્યા. નરેશ કનોડિયા અત્યાર સુધી ૩૦૦ કરતા વધારે ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂક્યા છે. નરેશ કનોડિયાની સફળ ફિલ્મોમાં જોગ-સંજોગ, હિરણને કાંઠે, મેરૂ માલણ, ઢોલામારૂ, ઊંચી મેડીના ઊંચા મોલ, રાજ રાજવણ, કડલાની જોડ, તમે રે ચંપો ને અમે કેળ, મા-બાપને ભૂલશો નહી વગેરેનો સમાવેશ થાય છે. નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ૪૦ કરતા વધુ વર્ષો સુધી કામ કર્યું અને એક પછી એક સફળ ફિલ્મોમાં એક્ટિંગ કરીને ગુજરાતી પ્રજાને મનોરંજન પૂરુ પાડ્યું. નરેશ કનોડિયાએ તે સમયની ટોચની અભિનેત્રી સ્નેહલતા, રોમા માણેક અને સ્નેહલતા સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યું. આ સિવાય ૧૯૮૦ અને ૯૦ના દાયકામાં નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મોના અન્ય અભિનેતાઓ જેવા કે ઉપેન્દ્ર ત્રિવેદી, અસરાની, કિરણ કુમાર અને ફિરોઝ ઈરાની સાથે કામ કરીને ફિલ્મોમાં સફળતા પ્રાપ્ત કરી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here