અમદાવાદ,તા.૨
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે તમામ પાર્ટીઓ પોતાની રણનીતિ ઘડી રહી છે, તો બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા પણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં અપક્ષ ઉમેદવારો માટે ચૂંટણી પંચ દ્વારા ૧૬૯ જેટલા પ્રતીકો નક્કી કરવામાં આવ્યાં છે. ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોને ૧૬૯ મુખ્ય પ્રતીકોનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
જેમાંથી કેટલાક પ્રતીકો તો રોજિંદા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ અને ફળ-ફૂલના છે. જેમાંથી ઉમેદવારોએ પ્રતીકોની પસંદગી કરવાની રહેશે. રાજ્યના ચૂંટણી પંચ દ્વારા જે ચૂંટણી પ્રતિકો નક્કી કરવામાં આવ્યા છે, તેમાં ફૂટબોલ, ફુવારો ફ્રોક, બારી, સ્ટેપ્લર, માઈક-ગિટાર, કાતર, કરવત, સિલાઈ મશીન, વહાણ, બ્રશ, ડોલ, કેક, કેલ્ક્યુલેટર, કેરબો, સીસીટીવી કેમેરા, ચપ્પલની જોડી, કલર અને બ્રશ, કમ્પ્યુટર માઉસ, ડીઝલ પંપ, મિક્સર મશીન, પરબીડિયું જેવાં પ્રતીકો ફાળવવામાં આવ્યાં છે.
આ સિવાય વેલણ, ગરણી, કૂકર, લાઇટર, લંચ-બોક્સ, કીટલી, ખાંડણી દસ્તો, બ્રેડ ટોસ્ટર, સૂપડા, દીવાસળીની પેટી, ફળોથી ભરેલી ટોપલી, આદુ, દ્રાક્ષ, આઈસક્રીમ, અનાનસ, અખરોટ, તરબૂચનો સમાવેશ થયો છે.