અંજાર નજીક રૂા.૧.૪૪ કરોડનાં પિસ્તા ભરેલા ટ્રકની લુંટનો આરોપી ઝડપાયો, મુદામાલ કબ્જે લેતી પોલીસ

0
13
Share
Share

સગીર આરોપીની કબુલાતનાં આધારે ગુન્હાનો ભેદ ઉકેલાયો : લૂંટમાં વધુ સાત શખ્સોની સંડોવણી : પાંચ પોલીસ કર્મી.ઓની કામગીરી સામે શંકાની સોઈ

અંજાર, તા.૧૫

મુંદ્રાના સૌરાષ્ટ્ર સીએફએસથી મુંબઈ જતી ટ્રકમાંથી ૧.૪૪ કરોડના ૨૫ હજાર ૧૧૦ કિલોગ્રામ પિસ્તાના ચકચારી લૂંટ કેસમાં અંતે આજે પોલીસે સત્તાવાર રીતે બે મુખ્ય સૂત્રધારના નામ જાહેર કરી મુદામાલ રીકવર કરી લીધો છે. ગત નવમી સપ્ટેમ્બરની મધરાત્રે મેઘપર બોરીચીના હ્યુન્ડાઈ શોરૂમ નજીક પુલિયા પાસે બંદૂકના નાળચે ફિલ્મી ઢબે થયેલી આ લૂંટ કેસમાં અંજાર પોલીસ મથકનાં પાંચ પોલીસ કોન્સ્ટેબલની વરવી ભૂમિકા પણ સામે આવી છે.

ગાંધીધામની ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતો લવકુશ નિષાદ નામનો ટ્રક ડ્રાઈવર નવમી સપ્ટેમ્બરની રાત્રે પિસ્તા ભરેલી ટ્રક લઈ મુંબઈ જવા નીકળ્યો ત્યારે મેઘપર બોરીચી પાસે સફેદ રંગની કારમાં આવેલા ૪ શખ્સોએ તેની ટ્રકને આંતરી હતી. એક જેણે તેને બંદૂકના નાળચે ટ્રકમાંથી નીચે ઉતારીને કારમાં બેસાડી મોઢે રૂમાલ બાંધી તેનો મોબાઈલ ફોન ઝુંટવી લીધો હતો. ત્યારબાદ તેને આખી રાત કારમાં અલગ અલગ સ્થળોએ ફેરવીને પરોઢે ૪ વાગ્યે શખ્સો અંજારની સૂર્યા રોશન કંપની નજીક ઉતારીને નાસી છૂટયાં હતા. બનાવ અંગે તેણે કંપનીમાં જાણ કરતા કંપનીએ જીપીએસના આધારે ટ્રકનું લોકેશન ચેક કરતા મીઠીરોહર પાસેથી ખાલીખમ ટ્રક મળી આવી હતી. બનાવને ગંભીરતાથી લઈ પૂર્વ કચ્છ એસપીએ એસઓજી અને એલસીબીને તપાસ સોંપી હતી. જેમાં ખેડોઈના શખ્સો સામેલ હોવાનુ સામે આવ્યા બાદ પોલીસે એક કિશોરને ઉઠાવી પુછતાછ કરતા આ ચકચારી લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

અંજારના પોલીસ ઈન્સ્પેકટર જી.કે.વહુનીયાએ જણાવ્યું કે લૂંટ કેસના બે સૂત્રધાર પૈકી રીકીરાજસિંહ લગધીરસિંહ સિંધલ (સોઢા) અદાણી પોર્ટ પર કામ કરે છે. રીકીરાજસિંહ અદાણી પોર્ટ પર ખાનગી એજન્સીનો કોન્ટ્રાકટ બેઝ કર્મચારી છે. પિસ્તા ભરેલી ટ્રક મુંબઈ જવાની હોવાની બાતમી તેણે ખેડોઈના હરદિપસિંહ શક્તિસિંહ જાડેજાને આપી હતી. તેણે અને હરદિપસિંહે અન્ય સાત આરોપીઓને લૂંટના ગુનામાં સામેલ કર્યાં હતા. આરોપીઓ પિસ્તા ભરેલી ટ્રકને ચાંપલ માના મંદિર પાસે લઈ ગયા હતા. અહીં તેમણે એક ખાલી ટ્રકમાં પિસ્તા ભર્યાં હતા. ધાર્યાં કરતા માલ વધુ હોઈ બાકીનો માલ જમીન પર કાઢી બીજી ટ્રકમાં ભર્યો હતો ત્યારબાદ બંને ટ્રક કડી અને દહેગામના કોલ્ડસ્ટોરેજમાં મોકલી અપાઈ હતી જ્યારે ખાલી ટ્રક મીઠીરોહર પાસે મુકી અવાઈ હતી. પોલીસે રીકીરાજસિંહની ધરપકડ કરી ૧.૩૩ કરોડના પિસ્તા અને લૂંટનો માલ લઈ જવા માટે ઉપયોગમાં લેવાયેલી બેઉ ટ્રક રીકવર કરી છે. રીકીરાજસિંહના કોર્ટે ૭ દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. તપાસના હિતમાં પોલીસે અન્ય આરોપીઓના નામ જાહેર કર્યાં નથી. મોટાભાગના ખેડોઈના રહીશો છે.

ઉલ્લેખનીય છે કે લૂંટના આ બનાવમાં અંજાર પોલીસના પાંચ કોન્સ્ટેબલની વરવી ભૂમિકા સામે આવી હોવાનુ પોલીસે જાહેર કર્યું છે. જે સમયે આરોપીઓ લૂંટનો માલ બીજી ટ્રકમાં ભરતા હતા તે સમયે પોલીસને બાતમી મળી હતી ખેડોઈ નજીક વિદેશી શરાબનું કટીંગ થઈ રહ્યું છે. જેના પગલે હેડ કોન્સ્ટેબલ જયુભા જાડેજા, વિશ્વજીતસિંહ જાડેજા, અનિલ ચૌધરી, દિલીપ ચૌધરી અને વનરાજસિંહ દેવલ સ્થળ પર ધસી ગયા હતા. દારૂના બદલે લૂંટનો માલ સગેવગે થતો હતો. આ પોલીસ કોન્સ્ટેબલો સેટીંગ કરી પરત આવી ગયા હતા. લૂંટમાં સામેલ કિશોર વયનો આરોપી કોન્સ્ટેબલ વિશ્વજીતસિંહનો સંબંધી હોવાનુ પણ બહાર આવ્યું છે. લૂંટની ફરિયાદ અંજાર પોલીસ મથકમાં વિધિવત રીતે દાખલ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી ત્યારબાદ પણ આ પાંચમાંથી એકેય કોન્સ્ટેબલે થાણા અધિકારીને કશી વિગત જણાવી નહોતી. આ પાંચેય કોન્સ્ટેબલો સામે ગુનો નોંધી તેમને સસ્પેન્ડ કરવા તજવીજ ચાલી રહી છે. શું સેટીંગ કરાયું હતુ તે વિગતો વધુ તપાસમાં ખુલશે. હાલ તો આ પાંચેય જણાં ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનુ પોલીસ ઈન્સ્પેકટર વહુનીયાએ ઉમેર્યું છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here